તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગીલા શહેરની ગોલ્ડન ચળકાટ:રાજકોટની સોની બજાર વિશ્વમાં ચમકી, દેશનું પ્રથમ ‘જ્વેલરી કોમન ફેસેલિટી સેન્ટર’ શરૂ, આધુનિક ટેક્નોલોજીથી ઘડાયેલા દાગીના ઘર આંગણે જ

રાજકોટ5 દિવસ પહેલા
  • જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ 5 વર્ષથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા મહેનત કરતું
  • જ્વેલરી કોમન ફેસેલિટી સેન્ટર માટે કેન્દ્ર સરકારે પાંચ કરોડ ફાળવ્યા, બે વર્ષ પહેલાં MOU થયા હતા

રાજકોટની સોની બજાર ફરી એક વખત વિશ્વફલક પર ચળકાટ કરશે. હેન્ડ મેડ કારીગરી માટે હબ ગણાતા રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ પ્રમોશન કાઉન્સિલની પાંચ વર્ષની તપશ્ચર્યા ફળીભૂત થઇ છે. અંતે કેન્દ્ર સરકારે રૂપિયા પાંચ કરોડના ખર્ચે અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કોમન ફેસિલિટી સેન્ટરનું નિર્માણ કર્યુ છે. ગોલ્ડ, સિલ્વર અને ઇમિટેશન જ્વેલરી માટે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્ર દેશમાં પ્રથમ દરજ્જો મેળવશે. ડાયમંડ જ્વેલરી માટે જૂનાગઢ, પાલનપુર, અમરેલી અને વિસનગર એમ શહેરોમાં કોમન ફેસેલિટી સેન્ટર કાર્યરત છે. આભૂષણોમાં વિશ્વ વિખ્યાત બનેલી રાજકોટની હેન્ડમેડ કલા સાથે ટેકનોલોજીનો સમન્વય થતા હવે ઘર આંગણે જ દાગીના મળશે.

આ પ્રોજેક્ટ માટે બે વર્ષ પહેલાં MOU થયા હતા
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મહેનત કરવામાં આવી રહી હતી. આ માટે બે વર્ષ પહેલાં MOU થયા હતા અને કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્રારા અદ્યતન ટેક્નોલોજીના મશીન આ સેન્ટર માટે રૂપિયા પાંચ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે. હવે આ સેન્ટરનું સંચાલન જેમ્સ એન્ડ જ્વેલરી કલસ્ટર ફેડરેશન સંભાળશે. કોમન ફેસેલિટી સેન્ટર બનવાથી જ્વેલર્સ ક્ષેત્રને બુસ્ટર મળવાની સાથોસાથ ડિઝાઇનિંગમાં પણ ન્યુ ઇનોવેશન સાથે દુનિયાભરમાં રાજકોટની બજારનો ફરી એક વખત દબદબો સ્થાપિત થશે. આ સેન્ટર માટે GJEPC ગુજરાત રીજીયનનાં ડાયરેક્ટર દિનેશ નાવડીયા, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરીનાં દિવ્યેશભાઇ પાટડીયા અને તેમની ટીમે પગના તળીયા ઘસી નાખ્યા તેટલી મહેનત કરી હતી.

આધુનિક ટેક્નોલોજીની મદદથી દાગીના બનાવવામાં આવશે.
આધુનિક ટેક્નોલોજીની મદદથી દાગીના બનાવવામાં આવશે.

ભારતમાં જ્વેલરી ક્ષેત્ર માટે 4 CFCની સ્થાપના કરવામાં આવી
GJEPC દ્વારા ભારતમાં જ્વેલરી ક્ષેત્ર માટે 4 CFCની સ્થાપના કરવામાં આવી છે. જે પૈકીનું એક CFC રાજકોટમાં (ગુજરાત) સ્થાપવામાં આવ્યું છે. રાજકોટ કે જે એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ ગણાય છે. ત્યાં CFCને 7મી જૂને કાર્યરત કરી દેવામાં આવ્યું છે. GJEPCએ યોજનાના પ્રથમ તબક્કામાં હીરા ઉદ્યોગ માટે ગુજરાતમાં 4 CFC સ્થાપ્યા હતા અને રાજકોટ ખાતેનું આ સેન્ટરની યોજના હેઠળ ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટેનું ભારતનું પ્રથમ કોમન ફેસેલિટી સેન્ટર છે. CFCનું સંચાલન લોકલ અસોસિયેશન, જ્વેલરી કલસ્ટર ફેડરેશન રાજકોટ દ્વારા કરવામાં આવશે. આ રાજકોટના ઝવેરાત ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સોની બજારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. CFC લગભગ 2300 ચોરસ ફટ વિસ્તારમાં નવીનતમ અદ્યતન ટેક્નોલોજી સાથે સજ્જ કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ્વેલરી બનાવવાની પ્રવૃત્તિમાં રોકાયેલા કારીગરો મુખ્યત્વે ગુજરાતી અને બંગાળી સમુદાયના છે.

તુર્કી, જર્મની અને ઇટલીના મશીન મુકાયા
કોમન ફેસિલિટી સેન્ટરમાં કરોડો રૂપિયાની ડિઝાઇન બનાવવાની મશીનરી મૂકવામાં આવી છે. જે તુર્કી, જર્મની અને ઇટલીથી મંગાવવામાં આવી છે. એશિયાની સૌથી મોટી મશીનરી એમરાલ્ડ કંપની પાસે છે તે પ્રકારની મશીનરી હવે રાજકોટમાં ઉપલબ્ધ બને છે. જેને લઇને હેન્ડ વર્ક અપગ્રેડ થશે. આ મશીનરીમાં લેસર ટેક્નોલોજી અને CNC મશીન છે. થ્રિડી મોલ્ડ મશીનમાં હવે કોઈ પણ મૂર્તિના પીસ બનશે તો ડિઝાઇન પણ હવે સરળતાથી બની રહેશે.

મશીનરીની મદદથી ઝીણામાં ઝીણી ડિઝાઇન બનાવવામાં આવશે.
મશીનરીની મદદથી ઝીણામાં ઝીણી ડિઝાઇન બનાવવામાં આવશે.

રાજકોટમાં 150 ટન હેન્ડ મેડ પ્લેઇન ગોલ્ડ જ્વેલરી બને છે
પ્લેન ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે રાજકોટ ખૂબ જાણીતું છે. લગભગ 50 હજાર કારીગરો પ્લેન ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદનમાં સંકળાયેલ છે અને લગભગ 1 લાખ કારીગરો સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલા છે. રાજકોટમાં હેન્ડ મેડ પ્લેન ગોલ્ડ ઝવેરાતનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે 150 ટન છે. રાજકોટમાં 15 હજારથી વધુ એકમો છે જે જોબવર્કનું કાર્ય કરે છે. જી એન્ડ જે ઇન્ડસ્ટ્રી માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે કે જ્વેલરી ઉદ્યોગ માટે પ્રથમ એવા CFC સેન્ટરની સ્થાપના રાજકોટમાં કરવામાં આવી છે. આની મારફત જ્વેલરી ઉદ્યોગને લગતી સેવાઓ જેમ કે, જ્વેલરી ડિઝાઇન(CAD), સી.એ.એમ. (RTP), લેસર સીએનસી, ગોલ્ડ પ્રોયોરિટી એનાલિસિસ (XRF), લેસર સોલ્ડરિંગ, લેસર માર્કિંગ, રિફાઇનિંગ અને વાયર એન્ડ પાઇપ ફેસિંટીગ પૂરી પાડવામાં આવશે. આશા છે કે CFC સ્થાનિક ઉદ્યોગને નવી ઉંચાઇ પર લઈ જશે અને માત્ર રાજકોટ જ નહીં
પરંતુ સુરેન્દ્રનગર, મોરબી, જસદણ, જૂનાગઢ જેવા નજીકના સ્થળોના એકમોને તેમના વિસ્તારોમાં ઉપલબ્ધ ન હોય તેવી સેવાઓનો લાભ મળશે.

રાજકોટના નાના વેપારીઓ પણ સસ્તામાં ડિઝાઇન બનાવી શકશે.
રાજકોટના નાના વેપારીઓ પણ સસ્તામાં ડિઝાઇન બનાવી શકશે.

જ્વેલરી કલસ્ટર ફેડરેશન સેન્ટરનું સંચાલન કરશે
આ કોમન ફેસેલિટી સેન્ટર માટે જ્વેલરી કલસ્ટર ફેડરેશન ઓફ રાજકોટની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે ચંદ્રેશ પાટડિયા, વાઈસ પ્રેસિડન્ટ તરીકે પ્રસન્ન રાણપરા, મનોજ મેર, જોઈન્ટ સેક્રેટરીમાં ભરત રાણપરા અને ખજાનચી તરીકે અર્જુન ધકાણ, બોર્ડ મેમ્બરમાં પ્રકાશ રાણપરા, દિવ્યેશ પાટડિયા, હસુભાઈ સીતાપરા સક્રિય રહેશે. GJEPC દ્વારા કાર્યરત આ ફેસેલિટી સેન્ટરમાં વેપારીઓ અને કારીગરો મેમ્બર બનશે. ટોકનદરે તેઓ ડિઝાઈન કરાવી શકશે. આ ફેડરેશનની ભૂમિકા NGO તરીકેની રહેશે. હાલમાં કોમન ફેસિલિટી સેન્ટરમાં 14 વ્યક્તિઓની અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

કોમન ફેસેલિટી સેન્ટર માટે જ્વેલરી કલસ્ટર ફેડરેશન ઓફ રાજકોટની રચના કરવામાં આવી.
કોમન ફેસેલિટી સેન્ટર માટે જ્વેલરી કલસ્ટર ફેડરેશન ઓફ રાજકોટની રચના કરવામાં આવી.

ઓછા ખર્ચે એક્સક્લૂઝિવ ડિઝાઇન ઘર આંગણે
સોનાના દાગીના માટે સમગ્ર દુનિયામાં રાજકોટ હબ ગણાય છે. આ દાગીના બનાવવા માટેની ઝીણામાં ઝીણી અને કલાત્મક એક્સક્લૂઝિવ ડિઝાઈન બનાવવા માટેની મશીનરી ખૂબ જ ઓછા સોની વેપારીઓ પાસે હોવાના લીધે ડિઝાઇન બનાવવામાં વધુ સમયની સાથોસાથ ખર્ચાળ પણ પડતી હતી. આ ફેસિલિટી સેન્ટર નામાંકિત વેપારીઓ અને કારીગરો બંને માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. સાથોસાથ જ્વેલરી એક્સપોર્ટ નવી ઊંચાઈએ પહોંચશે. હાલમાં દેશમાં એકમાત્ર રાજકોટ ખાતે આ ફેસિલિટી સેન્ટર શરૂ થવાથી અલગઅલગ રાજ્યોમાંથી અહીંના વેપારીઓ અને કારીગરોને ઓર્ડર પણ વધશે. સેન્ટર બનતાની સાથે સાથે દેશના નામાંકિત જ્વેલર્સમાંથી ઓર્ડર માટે પૂછપરછ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...