શિક્ષણબોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં શુક્રવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું. બેઝિક ગણિતના પેપર અંગે વિષય નિષ્ણાતે જણાવ્યું હતું કે પેપર એકંદરે ટૂંકું અને સરળ પૂછયું હતું. આ પેપર મોટાભાગના વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય કરતા પણ વહેલું પૂરું કરી લીધું હતું.
તમામ પ્રશ્નો અને દાખલાઓ પાઠ્ય પુસ્તક આધારિત જ પૂછ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્નો આવડી ગયા હતા અને આ પેપરમાં સારો સ્કોર વિદ્યાર્થીઓ કરી શકે તેવું પેપર હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બેઝિક ગણિતના પેપરમાં પાયથાગોરસનો પ્રમેય 4 માર્કમાં પુછાયો હતો.
દાખલા નં.34માં પૂછાયું કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો, પછી આગળ શોધવાનું શું તે દર્શાવ્યું જ ન હોવાથી વિદ્યાર્થીઓ પણ દાખલામાં શું શોધવું તે અંગે મુંઝાયા હતા.
આ ઉપરાંત ધોરણ 10ની બેઝિક ગણિતની પરીક્ષામાં રાજકોટ જિલ્લાના ગોંડલ કેન્દ્રમાં શુક્રવારે બીએપીએસ સ્વામિનારાયણ ગર્લ્સ વિદ્યાલયમાં કેન્દ્ર સંચાલક વર્ગખંડના સીસીટીવીનું નિદર્શન કરતા એક પરીક્ષાર્થી બેઠક નંબર C-9134419 પારધી જિગ્નેશ મોબાઈલ સાથે વર્ગખંડમાંથી પકડાયો હતો. જે બાબતે સ્થળ સંચાલક દ્વારા ગેરરીતિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે.
અર્થશાસ્ત્રના પેપરમાં મનરેગા, ગરીબી ઘટાડવાના ઉપાયો પુછાયા
ધોરણ 12 કોમર્સમાં શુક્રવારે લેવાયેલા અર્થશાસ્ત્રના પેપરમાં વિભાગ A, B, C, D, Eમાં ટેક્સબૂક આધારિત જ પ્રશ્ન પૂછેલા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં આરામથી પેપર પૂર્ણ કરી શક્યા. વિભાગ Aમાં આંકડાકીય માહિતીવાળા ચાર વિકલ્પો પુછ્યા હતા.
વિભાગ Cમાં સાપેક્ષ ગરીબી, પ્રચ્છન બેરોજગારી, આરોગ્યનું મહત્વ જેવા સરળ પ્રશ્નો 2 ગુણના પૂછ્યા હતા. વિભાગ Dમાં નાણાંના ઉદભવ અને વિકાસ પર ટૂંકનોંધ, મનરેગા યોજના, ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજિકલ સુધારાઓ જેવા પ્રશ્નો 3 ગુણમાં પૂછ્યા. વિભાગ Eમાં 5 ગુણમાં ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈપણ પાંચ ઉપાયો, સ્થળાંતરના કારણો, ઊંચા જન્મદર માટેના સામાજિક કારણો, રેખાકૃતિ આલેખ પૂછેલો હતો.
સહેલુ હોવાથી 8 લાખ છાત્રોએ બેઝિક ગણિત રાખ્યું
શિક્ષણબોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બેમાંથી કોઈ એક ગણિત રાખવાના વિકલ્પ આપ્યા છે જેમાંથી બેઝિક ગણિત પ્રમાણમાં સરળ હોવાથી રાજ્યમાં 8,01,694 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે અઘરું ગણાતું સ્ટાન્ડર્ડ ગણિત રાજ્યમાં માત્ર 81,954 વિદ્યાર્થીઓએ જ રાખ્યું હતું. આમ એકંદરે બેઝિક ગણિત કરતા સ્ટાન્ડર્ડ ગણિત વિષય રાખનારા વિદ્યાર્થી માત્ર 10% જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.