ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આધારની પ્રક્રિયા 10 મિનિટની, મનપા પાસે માત્ર 10 કિટ જેથી લોકોને 3 કલાક લાઈનમાં ઊભવું પડે છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: ધીમંત જાની
  • કૉપી લિંક
  • આધારકાર્ડ કઢાવનારાની સંખ્યા 35 ટકા વધી, તંત્ર પાસે કમ્પ્યુટર સિસ્ટમ, આઇરીઝ, થમ્બ ઇમ્પ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ આઠ વર્ષ જૂના
  • રાજકોટની વીસ લાખની વસ્તી સામે મહાપાલિકાના ત્રણ મુખ્ય સેન્ટરોમાં દૈનિક માંડ 350થી 400 કાર્ડની પ્રક્રિયા થાય છે, અરજદારો હેરાન-પરેશાન

છેલ્લા એક મહિનાથી આધારકાર્ડ કઢાવનારા અરજદારોની સંખ્યા 35 ટકા વધી ગઇ છે ત્યારે દસ જ મિનિટમાં જે કામ પૂર્ણ થઇ જાય છે તે આધારકાર્ડ કઢાવવામાં મનપાના ત્રણેય કેન્દ્રોમાં ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે ! જેના મુખ્ય કારણો એવા બહાર આવ્યા હતા કે, તંત્ર પાસે આધારકાર્ડ કઢાવવાની પ્રક્રિયા ઝડપી થઇ શકે તેવી અલાયદી વ્યવસ્થા નથી. આઠ વર્ષ જૂની કમ્પ્યુટર સિસ્ટમ તેમજ આધારકાર્ડની કામગીરીમાં સૌથી વધુ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થાય છે તે આંખોની કીકી રીડ થઇ શકે તેવા આઇરીસ અને થમ્બ ઇમ્પ્રેશનના મશીનો ક્ષતિગ્રસ્ત હોવાથી સેલોટેપ લગાવી રગડધગડ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે !

હાલ મનપાના ત્રણેય કેન્દ્રોમાં દૈનિક અંદાજે 80થી 120 જેટલા અરજદારો આવે છે, આ કામગીરી માટે 10 ઓપરેટરો અને બે સુપરવાઇઝરો કાર્યરત છે. મનપાના સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ સંલગ્ન કામગીરી ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં ત્રણ-ત્રણ કિટ એક્ટિવ છે, તો સેન્ટ્રલ ઝોનમાં મુખ્ય કચેરીએ ચાર કીટ એક્ટિવ છે. મહાપાલિકા દ્વારા કુલ દસ કીટમાં અંદાજે 350થી 400 આધાર કાર્ડના કામો થઇ રહ્યા છે.

ખાટલે મોટી ખોટ : મનપા પાસે 20 કિટની પરમિશન છતાં 10 જ ચાલુ, મે મહિનામાં 10 કિટ વધારવાનો અધિકારીનો દાવો
મહાપાલિકાના કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરીની જેને જવાબદારી સોંપાઇ છે તે નરેન્દ્ર આરદેશણાએ જણાવ્યું હતું કે, ‘મહાપાલિકા દ્વારા અગાઉ વધુ કીટો ચાલુ હતી, પરંતુ તાજેતરમાં ચાર ઓપરેટરોને છૂટા કરી દેવાયા હોય હાલ માત્ર 10 કિટો ચાલુ છે. મનપા પાસે 20 કિટની પરમિશન છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓપરેટરોની ભરતી બાદ 20 કિટો શરૂ થઇ જશે. હાલ આધાર સેન્ટરોમાં સિસ્ટમો જૂની થઇ ગઇ છે.

ઇસ્ટ ઝોન : આધારકાર્ડ સેન્ટરમાં સવારે 10-30 કલાકે 70 અરજદારો ટોકન હાથમાં લઇને કતારમાં ઊભા હતા, એક મહિલા દરવાજા પાસે સાઇડમાં નાના બાળકને ફીડિંગ કરાવી રહી હતી. સિક્યોરિટી કર્મચારી અરજદારોને લાઇનમાં રહેવા દેકારો કરી રહ્યા હતા.

સેન્ટ્રલ ઝોન : આધારકાર્ડ સેન્ટરમાં સવારે કેન્દ્ર ખુલ્યા બાદ એક કલાકમાં જ 60 અરજદારો આવ્યા હતા, તમામને ટોકન આપી દેવાયા બાદ અરજદારો નાના શેડ જેવા માળખામાં બેન્ચ પર ગોઠવાઇ ગયા હતા. આ સમયે એક આર્મી અધિકારી લાઇનમાં વચ્ચે ઘૂસતા દેકારો થયા બાદ જવાબદાર કર્મચારીએ જવાનનું આધારકાર્ડનું કામ પહેલા પતાવ્યું હતું. જ્યારે અન્ય અરજદારોનો વારો આવતા અનુક્રમે ત્રણેક કલાકનો સમય થયો હતો.

વેસ્ટ ઝોન : આધારકાર્ડ કેન્દ્રમાં ટોકન માટે સવારે કતાર જોવા મળી હતી. ભીડ જ એટલી હતી કે, અરજદારોને અડધો દિવસ બગાડવો પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક લોકો બેબાકળા થયા હતા પરંતુ ઝડપી કામ થતું ન હતું.

ઉચ્ચ અધિકારીઓ ડોકાતા નથી
મનપાના આધાર કેન્દ્રો પરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘‘આધારકાર્ડ સંલગ્ન કામગીરી આ રીતે જ ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓ ક્યારેય પણ ઘટનાસ્થળે આવી કામગીરી અંતર્ગત ઇન્સ્પેક્શન કરવાની તસ્દી લેતા નથી, માત્ર નીચેના જવાબદાર કર્મચારીઓને ટારગેટ કરી મોટી મોટી વાતો કર્યા કરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આધારકાર્ડની કામગીરી જેટલી સરળ હશે લોકોને તેટલો જ હાશકારો થશે.

આધારના ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી
આધાર કેન્દ્રો પર ફોર્મ કેપિટલ અક્ષરમાં અને અંગ્રેજીમાં ભરવાનું હોવાથી ઘણી વખતે ઓછું ભણેલા અરજદારો માથું ખંજવાળતા હોય છે. જવાબદાર અધિકારીઓ જાણે ઉપકાર કરતા હોય તેવું વર્તન કરી આ ફોર્મ ભરીને લઇ આવો તેવો હુકમ કરે ત્યારે લખી વાંચી ન શકતા અરજદારો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. પહેલા ફોર્મ ભરી આપે તેવો સ્ટાફ હતો, હાલ તેવો કોઇ સ્ટાફ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

અરજદારોની વ્યથા

કલાકો સુધી રાહ જોવી પડે છે
ટ્વીન્કલબેને જણાવ્યું હતું કે, ‘હું ઘણા સમયથી ટોકન લઇને કતારમાં બેઠી છું, અત્યારે 11 વાગ્યા છે મારો વારો ક્યારે આવશે તેની ખબર નથી! તંત્રે ઝડપી કામગીરી થાય તેવું આયોજન કરવું જોઇએ.’

તંત્રે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઇએ
પરિવાર સાથે આધારકાર્ડની કામગીરી માટે આવેલા ભીચરીના જયસુખભાઇએ જણાવ્યું હતું કે, ‘‘આધારકાર્ડનું કામ કરાવવું એટલે માથાનો દુ:ખાવો તેવું કહી શકાય. ત્રણ કલાક લાઈનમાં બેસવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...