ભારત એવો દેશ છે જ્યાં જુદા જુદા ધર્મ-સમાજ-સંપ્રદાયના લોકો વસે છે, પરંતુ હાલ યુક્રેનમાં જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે ત્યારે સૌથી પહેલો ધર્મ એ ‘રાષ્ટ્રધર્મ’ હોવાનું માનીને બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો છેક પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી યુક્રેન બોર્ડર અને પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા છે. દૂર દૂરથી સ્વયંસેવકોએ પોલેન્ડમાં આવીને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. બીએસપીએસના સ્વયંસેવકોએ લગભગ 1000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા હતા અને અન્ય જરૂરિયાત પ્રમાણેની મદદ પણ કરવામાં આવી રહી છે.
રશિયાના આક્રમણને કારણે યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરમ દિવસે મધ્ય રાત્રિએ બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે.
પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝોનગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે. માઈનસ ત્રણ-ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે.
કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંફ આપીને બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને મદદ કરી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.