ગુજરાતમાં પ્રથમ:દેશમાં 18મી સ્કિન બેંક આજથી રાજકોટમાં ખુલી, માઇનસ 80 ડિગ્રીમાં સ્કિન રખાશે, વેલિડીટી 5 વર્ષ, દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે

રાજકોટએક મહિનો પહેલા
ગુજરાતની પ્રથમ અને દેશની 18મી સ્કિન બેંક રાજકોટમાં ખુલી.
  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે રોટરી ગ્રેટર સ્કિન બેંક ખુલ્લી મુકાઇ
  • દાઝી ગયેલા દર્દીનું તાત્કાલિક હીલિંગ થાય છે અને દાઝી ગયેલા ભાગ પર અન્ય કોઈ ઇન્ફેક્શન થતું નથી

રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા નિર્માણ કરવામાં આવેલી ગુજરાતની સૌપ્રથમ સ્કિન બેન્કનું આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનાંદ સરસ્વતીનાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ સ્કિન બેંકનું નામ રોટરી ગ્રેટર સ્કિન બેન્ક રાખવામાં આવ્યું છે. જેનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવશે. આ સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી સ્કિન બેંકના ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે. દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કિન બેંક આશીર્વાદ સમાન સાબિત થશે. કારણ કે આવા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે.

સ્કિન કોના માટે ઉપયોગી
જેઓ દાઝી ગયા છે તેને એક બાયોલોજીકલ ડ્રેસિંગના રૂપે આ સ્કિન લગાડવામાં આવે છે. આ સ્કિન લગાડવાથી ડોક્ટરોના કહેવા પ્રમાણે તાત્કાલિક હીલિંગ થાય છે અને દાઝી ગયેલા ભાગ પર અન્ય કોઈ ઇન્ફેક્શન થતું નથી. આ સ્કિન લગાડ્યા બાદ દર્દીની પોતાની નવી ચામડી આવતા થોડો સમય લાગે છે અને જ્યારે તે આવી જાય છે ત્યારે આ સ્કિન નીકળવા લાગે છે. જેઓને ડાયાબિટીસના કારણે ગેંગરીન થયું છે તેના માટે પણ સ્કિન ગ્રાફ્ટિંગ ઉપયોગી બને છે.

આ ફ્રીઝની અંદર સ્કિનને માઇનસ 80 ડિગ્રી તાપમાન હેઠળ રખાશે.
આ ફ્રીઝની અંદર સ્કિનને માઇનસ 80 ડિગ્રી તાપમાન હેઠળ રખાશે.

વ્યક્તિના મૃત્યુના 6 કલાકની અંદર સ્કિન લેવામાં આવે છે
કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તેના શરીરમાંથી 5થી 6 કલાકની અંદર શરીરમાંથી ચામડી લઈ શકાય છે. મૃત્યુ પામનારના પરિવારજનો સ્કિન બેન્કને (મો.9090905556) ફોન કરી જાણ કરી શકે છે. આથી ડોક્ટરો અને મેડિકલ ટીમ ત્યાં જઈ સદગતના શરીરમાંથી સ્કિન લઈ શકે. સ્કિન લીધા બાદ તેમાં કોઈ ઇન્ફેક્શન નથી ને તેની કાળજી રાખવા માટે માઇનસ 4 ડિગ્રીમાં 48 કલાક માટે ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. ત્યારબાદ તેને માઈનસ 80 ડિગ્રીમાં ફ્રીજમાં રાખવામાં આવે છે.

આ ફ્રીઝની અંદર માઇનસ 4 ડિગ્રી તાપમાનમાં સ્કિનને ક્વોરન્ટીન કરાશે.
આ ફ્રીઝની અંદર માઇનસ 4 ડિગ્રી તાપમાનમાં સ્કિનને ક્વોરન્ટીન કરાશે.

મૃતકના ઘરે જ સ્કિન કલેક્ટની પ્રક્રિયા થશે
સ્કિન બેંકના ટીમ મેમ્બર ડો.કેતન બાવીશીએ જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે રાજકોટમાં આજે સ્કિન બેંક ખોલવામાં આવી છે. આ સ્કિન બેંક ગુજરાતની પ્રથમ અને દેશની 18મી લાયસન્સ સાથેની સ્કિન બેંક છે. આ સ્કિન બેંકની અંદર ડેડ બોડીમાંથી કાઢવામાં આવેલી સ્કિન ક્લિન કરી પ્રોસેસ કરી સ્ટોર કરવામાં આવે છે. આ બેંકની ખાસીયત એ છે કે સ્કિનને આપણે સાચવી શકીએ છીએ. આ સ્કિન બાયોલોજીકલ નેચરલ ડ્રેસિંગ છે. દાઝી ગયેલા દર્દીઓને દર્દ થાય અને પાટાપીંડી કરવી પડે છે, તેમજ એન્ટિબાયોટિક દવાઓનો ખર્ચ ન કરવો પડે તે માટે આ સ્કિનનો ઉપયોગ કરવામાં આવશે. કોઇ વ્યક્તિ કે દર્દીનું મૃત્યુ થાય એટલે સ્કિન કલેક્ટ કરવાની પ્રક્રિયા તેના ઘરે જ કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની પ્રથમ સ્કિન બેંક ખુલ્લી મુકી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની પ્રથમ સ્કિન બેંક ખુલ્લી મુકી.

સ્કિન કલેક્ટર કરવાની પ્રક્રિયા
વધુમાં જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિ મૃત્યુ પામે તેની છ કલાકની અંદર આ પ્રક્રિયા કરવાની હોય છે. આ પ્રક્રિયા એકથી દોઢ કલાકની અંદર કરવામાં આવશે. ડેડબોડીમાંથી સ્કિન બે હાથ, બે પગ અને પીછના ભાગેથી લેવામાં આવશે. જે ભાગ શરીરનો મોટો હોય ત્યાંથી સ્કિન લેવામાં આવશે. કોઇ દર્દીને આ સ્કિન લગાડવામાં આવે તો 21 દિવસ સુધી ડ્રેસિંગ મટિરિયલ બદલવુ પડતું નથી. દર્દીનું દર્દ ઓછુ થઇ જાય અને હોસ્પિટલ સ્ટે પણ ઓછો થઇ જાય છે. બધી રીતે સ્કિન ડોનેશન ફાયદાકારક છે.

સ્કિન બેંકનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કરશે.
સ્કિન બેંકનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કરશે.

રોટરી ગ્રેટર સ્કિન બેંકની પ્રોજેક્ટ ટીમ
સ્કિન બેંકની ટીમમાં ડો. કેતન બાવીશી, અમિત રાજા, ડો.સંજીવ નંદાણી, કરણ શાહ, યશ રાઠોડ, રવિ છોટાઈ, પરેશ કાલાવડીયા (પ્રમુખ), હિતેષ સાપોવડિયા (સેક્રેટરી) તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી ડો.દીપક પટેલ અને ડો.એ.આર. ભપલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...