ઓવરબ્રિજ અસલામત બનતા જાહેરનામું:રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલ પરથી અઢી મીટરથી ઊંચા વાહનોની અવરજવર પર પ્રતિબંધ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંઢીયા પુલ જર્જરિત બનતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. - Divya Bhaskar
સાંઢીયા પુલ જર્જરિત બનતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

શહેરના જામનગર રોડ પર આવેલા ઓવરબ્રિજ સાંઢીયા પુલ હાલ જર્જરિત બની ગયો છે. આ જોખમી પુલ પર અંતે ઊંચી કાર, બસ, ટ્રક સહિતના વાહનો માટે અવરજવર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી કોર્પોરેશને અઢી મીટર ઊંચાઇના એંગલ ફીટ કરવાની કામગીરી હાથ ધરી છે. આજે રવિવારે સાંજથી અથવા સોમવારે સવારથી ભારે વાહનો માટે આ પુલ બંધ થશે.

રેલવેએ આ બ્રિજને અસલામત જાહેર કર્યો
રેલવેએ ભારે વાહન વ્યવહાર માટે આ બ્રિજને અસલામત જાહેર કર્યો છે. કોર્પોરેશને લગભગ 40 કરોડના ખર્ચે પુલ વિસ્તૃતિકરણનો પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં હજુ રેલવેએ તમામ સંમતિ આપી નથી. બીજી તરફ રેલવેના રિપોર્ટના આધારે આ પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે.

મનપા 24 કલાકમાં અઢી મીટર ઊંચાઈના એંગલ ફીટ કરશે
જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2.5 મીટર ઊંચાઈના એંગલ ફીટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ભારે કોમર્શિયલ વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, એસ.ટી. બસ, વોલ્વો બસ તથા 2.5 મીટરથી વધુ ઊંચાઈવાળા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓ પરથી અવર-જવર કરવાની રહેશે.

મનપા દ્વારા એંગલ ફીટ કરવાની કામગીરી હાથ ધરી.
મનપા દ્વારા એંગલ ફીટ કરવાની કામગીરી હાથ ધરી.

મોટા વાહનો આ વૈકલ્પિક રસ્તા પરથી પસાર થઈ શકશે
સિવિલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જવા માટે ઓવરબ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રિંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ જઈ શકાશે. માધાપર ચોકડીથી આવતા સંજયનગર 24 મીટર મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી 150 ફૂટ રિંગ રોડ અને સિટી તરફ જઈ શકાશે. ઉપરોક્ત ભારે વાહનો સિવાયના તમામ 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, છકડો રિક્ષા, ટેમ્પો રિક્ષા વગેરે રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર કરી શકશે.

મનપા પોતાની ગ્રાન્ટમાંથી બ્રિજ બનાવશે
મોરબી ઝૂલતા બ્રિજની ઘટના બાદ શહેરના પુલની મજબૂતાઈ ચકાસવા માટે મનપા એલર્ટ બની છે. તેવામાં સાંઢિયા પુલ માટે ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે અભિપ્રાય આવ્યો હતો. આ બ્રિજ રેલવેનો છે અને ઘણા દાયકા પહેલા બનાવાયો હતો. બ્રિજ બનાવવા માટે અલગ અલગ ગ્રાન્ટની માંગ કરાઈ હતી તેમજ રેલવેની માલિકી હોવાથી તે બ્રિજ બનાવે તે માટે પણ ચર્ચા થઈ હતી પણ આખરે રેલવેએ કોઇ રસ ન દાખવતા રાજકોટ મહાનગરપાલિકા પોતાની ગ્રાન્ટમાંથી બ્રિજ બનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...