તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર નિર્ણય:રાજકોટ સિવિલના વોર્ડમાં લીલા નારિયેળ પર પ્રતિબંધ, સુરક્ષા માટે વર્ષે પોણાબે કરોડનો ખર્ચ કરતા સત્તાધીશોએ કારણ આપ્યું ,‘કોઈ ફેંકીને મારે તો’!

રાજકોટએક મહિનો પહેલા
મેલ વોર્ડમાં સૂચના: સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં પુરુષ વોર્ડના દરવાજાઓ પર ‘લીલા નારિયેળ અંદર લાવવા નહિ’ એવાં બોર્ડ માર્યાં છે.

કોઈપણ વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે તબીબો લીલા નારિયેળ પીવાનો આગ્રહ રાખે છે, જેથી તેમના શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે અને પચવામાં હળવું હોવાથી બીજી કોઇ પેટને લગતી સમસ્યા પણ ન થાય. જોકે રાજકોટની સિવિલ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ છે, જેણે લીલા નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય લીધો છે.

નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના વોર્ડમાં ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’. જો લીલા નારિયેળ અંદર લઈ જવાય તો નર્સિંગ સ્ટાફ અથવા તો સુરક્ષાકર્મીઓ અટકાવશે પણ ખરા. પુરુષ વોર્ડમાં આ પ્રકારે લાગેલા બોર્ડથી સૌ કોઇને કુતૂહલ થઈ રહ્યું છે. દર્દીઓનાં સ્વજનો એમ પણ કહી રહ્યા છે કે લીલા નારિયેળ નહિ તો સૂકા લઈ જવાના?

નારિયેળ અંગે સુરક્ષાનું કારણ અપાયું
દિવ્ય ભાસ્કરે આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીને પ્રશ્ન કર્યો હતો કે ‘દર્દીઓ માટે લીલા નારિયેળ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે તો પછી સિવિલના વોર્ડમાં નારિયેળ ન લઈ જવાનો આદેશ કેમ કરાયો?’ આ અંગે અધીક્ષકે કારણ આપ્યું હતું કે ‘નારિયેળ હેલ્ધી છે, પણ હેવી વસ્તુ છે, વોર્ડમાં કોઇની ઉપર પડે, કોઇ ફેંકે તો ઈજા થઈ શકે. આ કારણે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને લીલા નારિયેળ ન લઈ જવા કહેવાયું છે.’

નારિયેળનું પાણી કાઢીને હોસ્પિટલમાં લઈ જવું પડશે
અધીક્ષકના જણાવ્યા મુજબ, લીલા નારિયેળનો ઉપયોગ ફેંકીને કોઈને મારવા પણ થઈ શકે છે. આ રીતનો કોઇ બનાવ બન્યો છે કે નહિ એ અંગે પૂછતાં ના પાડી હતી તો પછી આવો વિચિત્ર વિચાર કેમ આવ્યો, તે ફરી પૂછતાં સુરક્ષાનું કારણ બતાવ્યું હતું. સિવિલમાં જે સુરક્ષાની વાત કરી રહ્યા છે એ સિક્યોરિટી એજન્સીને વર્ષે પોણાબે કરોડ ચૂકવાય છે. તર્ક વગરના આવા નિયમના અસ્તિત્વ દરમિયાન કોઇ દર્દીને લીલા નારિયેળનું પાણી પીવાની સલાહ આપવામાં આવે તો તેના સ્વજને વોર્ડની બહાર જ નારિયેળ તોડી એનું પાણી બીજા પાત્રમાં કાઢી પછી જ વોર્ડની અંદર લઈ જવાની કસરત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...