આજે ચિલ્ડ્રન ડે:રાજકોટના બાળવીર - 3થી 17 વર્ષની ઉંમરમાં કેન્સર સામે જંગ છેડી જીત મેળવી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નૈતિક પરાગભાઈ સોંદરવા - ફાઇલ તસવીર - Divya Bhaskar
નૈતિક પરાગભાઈ સોંદરવા - ફાઇલ તસવીર
  • ગંભીર બીમારીઓમાંથી બહાર આવેલા બાળકોના માતા-પિતાને ભાસ્કરે પૂછ્યું ‘તમારા સંતાનોએ શું શીખવ્યું’

14 નવેમ્બર એટલે બાળ દિવસ, શાળાઓમાં આ દિવસે અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે ક્યારેક બાળકો જ શિક્ષક બનીને તેના સાથી વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. ખરેખર બાળકોમાંથી જીવનમાં ઘણું શીખવા જેવું છે ખાસ કરીને એ બાળકો જેમણે નાની ઉંમરમાં જ કપરો સમય જોઈ લીધો છે.

કેન્સર અને ટ્યૂમર જેવી ગંભીર બીમારીનું નામ સાંભળીને ગમે તેના હાજા ગગડી જાય પણ સૌરાષ્ટ્રના 3 બાળકો અને એક તરુણે તેનો સામનો કરી બીમારી મુક્ત બની વીર તરીકે ઊભરી આવ્યા છે. નિષ્ણાત ડો. કેતન કાલરિયાનો સંપર્ક કરીને બાળકોને શોધ્યા હતા અને તેના માતાપિતા તેમજ તરુણને ભાસ્કરે પૂછ્યું હતું કે, ‘તમે શું શીખ્યા’ તેના જવાબમાં તેમણે જીવનમાં સૌથી વધુ મહત્ત્વના છે તેવા મૂલ્યો જણાવ્યા હતાં.

આંખની નસમાં શેક અપાયા
જામકંડોરણાના ખાટલી ગામના 3 વર્ષના નૈતિક પરાગભાઈ સોંદરવાની આંખો અચાનક ત્રાસી થતી હતી. ન્યુરોલોજિસ્ટે મગજમાં ગાંઠ હોવાનું નિદાન કર્યું, આંખની ધોરી નસમાં પણ ગાંઠ હતી. કેન્સર ન હતું પણ ધોરી નસમાં સર્જરી શક્ય ન હોવાથી રેડિએશન થેરાપીથી સ્વસ્થ થયો.

શું શીખવા મળ્યું : પિતા પરાગભાઈએ કહ્યું કે, હિંમત રાખવી થાકવું નહિ હતોત્સાહ ન થવું’.

મગજમાં કેન્સરની ગાંઠ

દિગ્વિજય વાળા
દિગ્વિજય વાળા

માળિયાના ત્રાંબાવડ ગામે રહેતા કનકસિંહ વાળાના પુત્ર દિગ્વિજયનો સ્વભાવ અચાનક ચીડિયો થઈ ગયો, કોઇ બોલે તો પણ કાન બંધ કરી દેતો હતો, સતત ચક્કર આવતા ઊલટી થતી. બાયોપ્સીમાં કેન્સરનું નિદાન થયું. 31 દિવસ સુધી શેક લીધા અને આખરે કેન્સરમુક્ત થયા, હવે ફરીથી રમવા માંડ્યો.

કરોડરજ્જુમાં ગાંઠ

આરૂચિ સંજયભાઈ સોલંકી
આરૂચિ સંજયભાઈ સોલંકી

ગઢડા(સ્વામીના) તાલુકાના ગોડકાની 5 વર્ષની આરૂચિ સંજયભાઈ સોલંકીને કરોડરજ્જુમાં ગાંઠ થઈ. બાયોપ્સી કરાવી તો કેન્સર નીકળ્યું. માતા-પિતા ગભરાયા અને રેડિએશન થેરાપી કરાવી નહિ. એક વર્ષ બાદ નવી બે ગાંઠ થઈ ફરીથી ઓપરેશન કરાવ્યું. અત્યારે રેડિએશન થેરાપી પૂર્ણ થવા પર છે.

શું શીખવા મળ્યું: આરૂચિના પિતા અને દાદાએ કહ્યું, ‘જીવનમાં કોઇપણ નિર્ણય ગભરાહટમાં ન લેવો.

...કદાચ પગ નહિ કામ કરે

પ્રતાપ ખેતશીભાઈ ગઢવી
પ્રતાપ ખેતશીભાઈ ગઢવી

દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતો પ્રતાપ ખેતશીભાઈ ગઢવી નામના 18 વર્ષના યુવકને કરોડરજ્જુમાં ગાંઠ હતી જે કેન્સરની નીકળી હતી. સર્જરી કરાવતી વખતે ડોક્ટરે કહ્યું હતું કે, કદાચ ચાલવામાં તકલીફ પડશે પણ રાજકોટમાં રેડિએશન લીધા અને માત્ર 5 જ મહિનામાં ચાલતા થયો’.

શું શીખવા મળ્યું: મેં નક્કી કર્યું છે કે મારા કોઇ સ્નેહીજન આપત્તિમાં હશે તો હું તેમની પડખે ઊભો રહીશ’.

દેશમાં વર્ષે દર 10 લાખમાંથી 38 બાળકને કેન્સર થાય છે

દેશમાં દર વર્ષે દશ લાખમાંથી 38થી 124 બાળકોને કેન્સરની સમસ્યા થાય છે. માતાપિતા ગભરાઈ જાય છે પણ હકીકતે નિષ્ણાત તબીબો સુધી પહોંચવું જોઈએ અને સારવાર લેવી જોઈએ. મોટાભાગે ઓપરેશન બાદ રેડિએશન કે જેને શેક કહે છે તે સારવારનો ભાગ બને છે જે પીડા રહિત છે. > ડો. કેતન કાલરિયા, DNB રેડિએશન ઓન્કોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...