રાજકોટ સિટી પોલીસના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અને સત્તર દિવસ પહેલા મહિલા સહકર્મચારીની હત્યાની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલા કોન્સ.રેશાદ બસીર સિંજાતે જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો રેશાદ સિંજાતે મહિલા ટ્રાફિક કોન્સ. ભાગ્યલક્ષ્મીબા નરવીરસિંહ ઝાલાના યેનકેન પ્રકારે મોબાઇલ નંબર મેળવી વાતચીત કરવાની કોશિશ કરતો હતો. બાદમાં રેશાદ તું કેમ મારી સાથે વાત કરતી નથી તેમ કહી અવારનવાર પીછો કરી બીભત્સ માગણી કરતો રહેતો હતો.
મહિલા કોન્સ. રેશાદને પ્રત્યુત્તર નહિ આપતા તેને ગત તા.15ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન કરી મહિલા કોન્સ.ને રામનાથપરા પોલીસ લાઇનમાં તેના ક્વાર્ટરે આવવા અને જો નહીં આવે તો પોતે મરી જશે તેમજ તને પોલીસ વિભાગમાં અને તારા સમાજમાં બદનામ કરી નાંખીશ. જેથી મહિલા કોન્સ. રેશાદના ક્વાર્ટરે જતા ત્યાં ઉગ્ર બોલાચાલી થતા મહિલા કોન્સ. ભેદી સંજોગોમાં બેભાન થઇ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.
જ્યારે મહિલા કોન્સ.ભાનમાં આવતા રેશાદે પોતાનું ગળું દબાવી મારી નાંખવાની કોશિશ કર્યાનું મામલતદાર સમક્ષ નિવેદનમાં જણાવતા પોલીસે રેશાદની ધરપકડ કરી હતી. આરોપી રેશાદે જામીન પર છૂટવા અરજી કરતા ફરિયાદપક્ષના વકીલ રૂપરાજસિંહ પરમાર, સરકારી વકીલ બિનલબેને આરોપી વિરુદ્ધ પુરાવાઓ સાથે રજૂઆત કરી જામીન અરજી રદ કરવા જણાવ્યું હતું. જેને ધ્યાને લઇ અદાલતે આરોપી રેશાદના જામીન નામંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.