પાણી 'વિરોધ':રાજકોટના વોર્ડ નંબર 13-14માં છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી અપાતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • રોષે ભરાયેલી મહિલાઓએ 'હાય રે ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા

રાજકોટના વોર્ડ નંબર 13 અને 14માં દૂષિત પાણી અપાતું હોવાની ફરિયાદ સાથે મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવા માટે ખરાબ પાણી આવે છે. જેને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી.

છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી આપવામાં આવે છે
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ પીવાનું પાણી દુષિત આવી રહ્યું હોવાથી શહેરના વોર્ડ નંબર 13-14ની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી દુષિત પાણી આવી રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ વોર્ડ નંબર 13માં આવેલી મનપાની વોર્ડ ઓફિસમાં એકત્ર થઈ હતી અને માટલા ફોડી વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ 'હાય રે ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા હતાં.

રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રથમ રહ્યો છે
મહત્વનું છે કે રાજકોટ વર્ષોથી પાણીનો પ્રશ્ન પ્રથમ રહ્યો છે. ગમે તેટલો વરસાદ પડે પણ તંત્ર પાણી આપવામાં હંમેશા નિષ્ફળ રહે છે. જિલ્લામાં સિઝનનો 150 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. હાલ રાજકોટ શહેરને પાણી પૂરૂ પાડતા તમામ ડેમ ઓવરફલો થઈ ગયા છે. તેમ છતાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.