ભાસ્કર બ્રેકિંગ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA, B.Com એક્સટર્નલ કોર્સ બંધ થઇ જશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈગ્નુ અને આંબેડકર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જુદા-જુદા એક્સટર્નલ કોર્સમાં પ્રવેશ લઈ શકશે
  • સરકારી-ખાનગી કોલેજોમાં એડમિશનની વ્યવસ્થા કરવી પડશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પગલે શિક્ષણમાં અનેક બદલાવ આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સંભવત ચાલુ વર્ષથી જ બીએ, બી.કોમ એક્સટર્નલ કોર્સ બંધ કરી દેવામાં આવશે. પરંતુ એક્સ્ટર્નલમાં જુદા-જુદા કોર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સમાં પ્રવેશ લઈ શકશે. જેની જાહેરાત જે-તે યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે આશરે 6 હજાર જેટલા વિદ્યાર્થીઓ બીએ, બી.કોમના એક્સટર્નલના કોર્સમાં પ્રવેશ લેતા હોય છે. સામાન્ય રીતે દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં બીએ, બી.કોમના પ્રથમ સેમેસ્ટરના પ્રવેશ ફોર્મ ભરાવવાનું શરૂ કરી દે છે પરંતુ હજુ સુધી યુનિવર્સિટીએ કોઈ જાહેરાત કરી નથી અને હજુ આવતા મહિના સુધી પ્રવેશ શરૂ થાય તેવું નિશ્ચિત નથી. જેના કારણે એક્સટર્નલમાં પ્રવેશ લેવા ઈચ્છતા અંદાજિત 6 હજાર જેટલા વિદ્યાર્થીઓને નાછૂટકે રેગ્યુલરમાં કોલેજમાં પ્રવેશ લેવો પડે અથવા ઈગ્નુ કે આંબેડકર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે પરંતુ મોટાભાગની સરકારી અને ખાનગી કોલેજોમાં એડમિશન ફુલ થઇ ગયા હોવાને કારણે એક્સટર્નલના વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા તે પણ યુનિવર્સિટી માટે એક પડકાર છે.

રેગ્યુલરમાં પ્રવેશ પૂર્ણ થઇ ગયા
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયા બાદ માસ પ્રમોશનને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોમાં બીએ, બી.કોમમાં રેગ્યુલરમાં પ્રવેશ લઇ લીધા છે અને છેલ્લા દોઢેક માસથી કોલેજોમાં શિક્ષણકાર્ય પણ શરૂ કરી દેવાયું છે, પરંતુ હવે એક્સટર્નલના વિદ્યાર્થીઓના ફોર્મ ન ભરાય તો તેમને ફરજિયાત રેગ્યુલરમાં પ્રવેશ લેવો પડે અને સરકારી અને ખાનગી કોલેજોમાં છ હજાર જેટલા વિદ્યાર્થીને સમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે.

કોલેજોમાં સીટ વધારવી પડે, રેગ્યુલરમાં પાછળથી પ્રવેશ આપવો પડે
નવી શિક્ષણ નીતિના અનુસંધાને એક્સટર્નલમાં પ્રવેશ બંધ થાય તો જે વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં પ્રવેશની રાહ જોઈ બેઠા છે તે તમામને રેગ્યુલરમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા યુનિવર્સિટીએ કરવી પડે. જેમાં કોલેજોમાં સીટો વધારવાની મંજૂરી આપવી પડે અને પ્રવેશ આપવાની દરેક કોલેજને સૂચના આપવી પડે.

સંભવત ઓક્ટોબરમાં નીતિ નક્કી થશે
ઇન્ચાર્જ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમના એક્સટર્નલના ફોર્મ ભરવાના શરૂ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અને પ્રવેશ શરૂ કરવો કે નહીં તે અંગે આગામી ઓક્ટોબરમાં નીતિ નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખીને નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...