ગુજરાતમાં અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીના કારણે લોકોના મોત નિપજ્યાંની ગંભીર ઘટના સામે આવી છે. જેથી સરકારે ચાઇનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે રાજકોટમાં બી ડિવિઝન પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોલીસ વાનમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ અંગેની સૂચના માઇક દ્વારા જાહેર કરવામાં આવે છે. પોલીસના જાગૃતિ અભિયાનથી લોકોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા અંગેની માહિતી કેળવાઈ રહી છે. નોંધનીય છે કે રાજકોટ પોલીસે થોડા સમય પહેલા લાખો રૂપિયાની ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી ત્યારે હાલ પોલીસનું આ પ્રચાર અભિયાન લોકોમાં જાગૃતિ ફેલાવવાનું માધ્યમ બન્યું છે.
વીરપુરમાં આખલા વચ્ચે લડાયક યુદ્ધ
વીરપુર-જેતપુર મેઈન રોડ પર પોલીસના ચેક પોઇન્ટ સામે જ બે આખલા વચ્ચે લડાયક યુદ્ધ ખેલાતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. 10 મિનિટ સુધી ચાલેલા આ દ્વંદ્વ યુદ્ધ દરમિયાન લોકોમાં નાસભાગ મચતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ લાકડીઓ લઈ દોડી જઈ આખલાને છૂટા પાડવા નિષ્ફ્ળ પ્રયત્ન પણ કર્યો હતો. જાહેરમાર્ગ ઉપર આખલા યુધ્ધે ચઢ્યા હતા. આંખલાનો આતંક નાથવા સ્થાનિકોએ આંખલાને છુટા પાડવાના પ્રયત્નો કર્યો હતા. પરંતુ આખલાઓ અટક્યા ન હતા જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ ભયભીત બન્યા હતા.
મનપા સંચાલિત લાઈબ્રેરીની 41 હજારથી વધુ વાંચનપ્રેમીઓએ મુલાકાત લીધી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ-1 તથા યુનિટ-2, મહિલા એકટીવિટી સેન્ટર તથા મહિલા વાચનાલયમાં એક માસ દરમ્યાન કુલ 41,620 વાંચનપ્રેમીઓએ લાભ લીધેલ હતો.
એક મહિનામાં કુલ 3,720 વિધાર્થીએ લાભ લીધો
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ એક માસ દરમ્યાન 264 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ 1 હજાર પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના 300 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલ સાથે સાથે 100 જેટલા વિવિધ વિષયોના મલ્ટીમીડિયા પણ ઇસ્યુ મુકવામાં આવેલા છે.જેનો છેલ્લા એક મહિનામાં કુલ 3,720 વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.