પોલીસની કવાયત:ઇમ્પિરિયલની કથિત ન્યૂડ ડાન્સ મામલામાં FSL રિપોર્ટની રાહ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પિરિયલ હોટેલના રૂમમાં યુવતીનો ડાન્સ કરતો વીડિયો ફરતો થયા બાદ પોલીસે વીડિયો એફએસએલમાં મોકલી આપ્યો હતો અને એફએસએલ રિપોર્ટ પરથી પોલીસ તપાસની દિશા સ્પષ્ટ થશે. બીજીબાજુ વીડિયો ઉતારનારની પણ પોલીસે શોધખોળ તેજ કરી દીધી હતી.

ઇમ્પિરિયલ હોટેલના એક રૂમમાં એક યુવતી ડાન્સ કરતી હોવાનો વીડિયો ફરતો થયો હતો, યુવતી ન્યૂડ ડાન્સ કરી રહ્યાના અને હોટેલના એ રૂમમાં પાંચ લોકોની હાજરીમાં પાર્ટી યોજાયાના આક્ષેપ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરતાં કથિત રૂમમાં દિલ્હીનું કપલ રોકાયું હતું અને કોઇ ન્યૂડ પાર્ટી યોજાઇ નહોતી, આમ છતાં પોલીસે ચર્ચાસ્પદ આ ઘટનાના મૂળ સુધી જવા માટે ફરતો થયેલો વીડિયો એફએસએલમાં મોકલી આપ્યો હતો. વીડિયોમાં દેખાતો ડાન્સ શુક્રવારનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે જોકે એફએસએલ રિપોર્ટમાં વીડિયોની તારીખમાં કોઇ ફેરફાર આવશે તો એ દિવસે એ રૂમમાં કોણ હતું તે મુદ્દાથી તપાસ આગળ વધશે.

રૂમમાં ડાન્સ કરી રહેલી યુવતીનો વીડિયો હોટેલથી દૂર બહારથી ઉતારવામાં આવ્યો હતો, વીડિયો ઉતારનાર વ્યક્તિ હાથ આવે તો સાચી હકીકત તેમજ વીડિયો ઉતારવાનું કારણ પણ બહાર આવી શકે, પોલીસે વીડિયો ઉતારનારની ભાળ મેળવવા બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...