રાજકોટમાં સિવિલના તબીબોનો અણઘડ નિર્ણય જોવા મળ્યો હતો. જેમાં ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના વોર્ડમાં ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’નું બોર્ડ લગાવ્યું હતું. આ અંગે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા તાત્કાલિક ધોરણે સિવિલ તંત્ર દ્વારા આ બોર્ડ ઉતારી લેવાયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ છે, જેણે લીલા નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય લીધો હતો.
નારિયેળ હેલ્ધી છે, પણ હેવી વસ્તુ છે
દિવ્ય ભાસ્કરે આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીને પ્રશ્ન કર્યો હતો કે ‘દર્દીઓ માટે લીલા નારિયેળ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે તો પછી સિવિલના વોર્ડમાં નારિયેળ ન લઈ જવાનો આદેશ કેમ કરાયો?’ આ અંગે અધીક્ષકે કારણ આપ્યું હતું કે ‘નારિયેળ હેલ્ધી છે, પણ હેવી વસ્તુ છે, વોર્ડમાં કોઇની ઉપર પડે, કોઇ ફેંકે તો ઈજા થઈ શકે. આ કારણે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને લીલા નારિયેળ ન લઈ જવા કહેવાયું છે.’
નારિયેળનો ઉપયોગ ફેંકીને કોઈને મારવા પણ થઈ શકે
અધીક્ષકના જણાવ્યા મુજબ, લીલા નારિયેળનો ઉપયોગ ફેંકીને કોઈને મારવા પણ થઈ શકે છે. આ રીતનો કોઇ બનાવ બન્યો છે કે નહિ એ અંગે પૂછતાં ના પાડી હતી તો પછી આવો વિચિત્ર વિચાર કેમ આવ્યો, તે ફરી પૂછતાં સુરક્ષાનું કારણ બતાવ્યું હતું. સિવિલમાં જે સુરક્ષાની વાત કરી રહ્યા છે એ સિક્યોરિટી એજન્સીને વર્ષે પોણા બે કરોડ ચૂકવાય છે. તર્ક વગરના આવા નિયમના અસ્તિત્વ દરમિયાન કોઇ દર્દીને લીલા નારિયેળનું પાણી પીવાની સલાહ આપવામાં આવે તો તેના સ્વજને વોર્ડની બહાર જ નારિયેળ તોડી એનું પાણી બીજા પાત્રમાં કાઢી પછી જ વોર્ડની અંદર લઈ જવાની કસરત કરવી પડશે.
સત્તાધીશોનો વિચિત્ર નિર્ણય હાંસીને પાત્ર બન્યો
નારિયેળ અત્યંત ગુણકારી ફળ છે એ વાતને કોઈ અવગણી શકે નહીં. એનો ઉપયોગ જુદી-જુદી રીતે થાય છે જેમાં સૌથી વધુ ગુણકારી નારિયેળનું પાણી છે. નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં રહેલાં છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ પાણી ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે છે જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો વિચિત્ર નિર્ણય હાંસીને પાત્ર બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.