દેરાણી-જેઠાણીના ઝઘડાનું કરૂણ પરિણામ:માસૂમ બાળકીના માથામાં કાકીએ દસ્તાના ઘા મારી હત્યા કરી, પરિવારે PM કરાવ્યા વગર અંતિમસંસ્કાર કર્યા

ઉપલેટા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આયુષીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આયુષીની ફાઈલ તસવીર
  • પોલીસે હત્યારી કાકી અને પૂરાવા નાશ કરવામાં મદદગારી કરનાર બાળકીના પિતા અને કાકાની અટકાયત કરી

ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગી કાકીએ ક્રૂર મિજાજમાં 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી હતી. બનાવમાં મહિલા તેમજ તેના પતિએ પરિવાર સાથે મળી અકસ્માતમાં ખપાવી દેવાના કરેલા પ્રયાસનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. એટલું જ નહીં બાળકીની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર પૂરાવાનો નાશ કરી અંતિમસંસ્કાર પણ કરી દેવાયા હતા. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં કૂર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતાઅને કાકાને સકંજામાં લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે

માહિતી મળી અને શંકાના આધારે તપાસને વેગ અપાયો
કિરણબેન ચેતનભાઈ નિમાવત નામની એક મહિલા ગુરુવારે સવારે સાત વાગ્યે ઉપલેટા પોલીસ સ્ટેશને જઈને પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. જાડેજાને જણાવે છે કે, ‘મારી પુત્રીનું બે દિવસ પહેલાં દાદરા પરથી પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને તેની અંતિમ વિધિ પણ કરી નાખવામાં આવી છે. જોકે આ ઘટનામાં મને કંઈક અજુગતું થયાની શંકા લાગે છે. મહિલાની આ વાત સાંભળીને પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા અને તેમના સ્ટાફના મહેન્દ્રભાઈ, કુલદીપસિંહ, મહેશભાઈ અને જયશ્રીબેન સહિતનો સ્ટાફ ઉપલેટાના યાદવ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં નિમાવત પરિવારના ઘરે પહોંચે છે.

નિમાવત પરિવારે ઘટનાને દબાવી દેવાનો કર્યો પ્રયાસ
મંગળવારે ચાર વાગ્યે ચેતનભાઈ અને તેના ભાઈ મયૂરને ઘરેથી ફોન આવે છે કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. માટે ઘરે આવો, આ સમયે ચેતનભાઈએ મયૂરને કહ્યું કે, ઘરે રોજ ડખા ચાલે છે. માટે તું જા અને જોઈ આવ કે ઘરે શું થયું છે. મયૂરભાઈ તેમના ઘર પાસે પહોંચે તે પહેલાં તેમના પત્ની વંદનાબેન આયુષિને તેડીને ઘરની બાજુમાં જ રહેતા જય નામના યુવાનના એક્ટિવામાં બેસી જઈ રહ્યા હતા આથી મયૂરે કહ્યું કે, સીધા હોસ્પિટલે જ જઈએ અને ત્યાંથી બધા ડોક્ટર કણસાગરાની ક્રિષ્ના હોસ્પિટલે પહોંચ્યા. ડોક્ટરે આયુષિને તપાસીને મૃતજાહેર કરી અને કહ્યું કે, આને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જાવ. આ સમયે વંદના અને તેમની સાથે ગયેલાઓએ ડોક્ટરને કહ્યું હતું કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. બપોરે સાડાચાર વાગ્યે હોસ્પિટલે આયુષિને લઈ જવાયા બાદ તેની લાશ સાંજના છ વાગ્યા સુધી ત્યાં જ પડી રહી. ત્યારબાદ મયૂરભાઈ આયુષિની લાશને ઘરે લઈ ગયા હતા. આ સમય દરમિયાન ચેતનભાઈ પોતાના ઘરે ગયા હતા અને આયુષિ જ્યાંથી પડી ગઈ હતી ત્યાં દાદરા પર જઈને જોયું તો ઉપરના માળે અને અગાસી પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આથી નાનાભાઈ મયૂરને પણ ઘરે બોલાવી લીધો હતો. આ સમયે મયૂરે તેમના ભાઈને કહ્યું કે, આ કામ વંદનાનું જ હોવું જોઈએ અને તેને જ આયુષિને મારી નાખી હતી.

પુરાવાનો બન્ને ભાઈઓએ નાશ કરવાનો પ્રયાસ કર્યો
આયુષિની વંદના નિમાવતે હત્યા કરી નાખ્યાની બન્ને ભાઈને જાણ હોવા છતાં બીજા માળના પગથિયાંથી અગાસી સુધીમાં જ્યાં પણ લોહીના ડાઘ હતા તે સાફ કરી નાખ્યા હતા અને અગાસી પર લોહીના ડાઘવાળું બ્લેન્કેટ અને ચાદર પણ સાફ કરવાની કોશિશ કરી હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે, આ પ્રકરણમાં આપણે કંઈ કરવું નથી અને લાશનો બારોબાર નિકાલ કરી આવીએ. સાંજે છ વાગ્યે આયુષિની લાશને ખાનગી કારમાં ઘરે લઈ આવ્યા બાદ સગાં-વહાલા અને પાડોશી સહિત 15 વ્યક્તિએ આયુષિની અંતિમ વિધિ કરી નાખી અને મંગળવાળે રાત્રે 11 વાગ્યે બધા ઘરે આવી ગયા.

બુધવારે કેટલાક સંબંધીને સાચી ઘટનાની જાણ પણ કરી
આયુષિની અંતિમ વિધિ બાદ ચેતનભાઈ અને મયૂરે ઘરમાં બેસીને જ મનોમંથન કર્યું કે હવે કરવું શું? બન્નેએ એવું પણ વિચાર્યું કે, આકરાં સ્વભાવની વંદનાએ આયુષિને તો મારી નાખી છે. આગામી દિવસોમાં વધુ કંઈ કરશે તો? ત્યારબાદ બન્ને ભાઈઓએ તેમના બનેવી હિતેષભાઈ, મોરબી રહેતા ચેતનભાઈના સસરા સહિત 4થી 5 સગાસંબંધીઓને જાણ કરી બધા એક સ્થળે ભેગા થયા, મિટિંગ કરીને એવું નક્કી કરાયું કે, હવે પોલીસને જાણ કરી દેવી જોઈએ.

ગુરુવારે સવારે આયુષિની માતા પોલીસ સ્ટેશન પહોંચ્યા
નિમાવત પરિવારે નક્કી કર્યા મુજબ જેની હત્યા થઈ હતી તે આયુષિના માતા કિરણબેન ગુરુવારે પોલીસ પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરાઈ. પોલીસે કરેલી તપાસમાં સનસનીખેજ વિગતો બહાર આવી. પોલીસે સાંયોગિક સહિતના પુરાવાઓ એકત્ર કર્યા. આયુષિની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાંથી રાખ અને અસ્થિ પણ પુરાવારૂપે એકત્ર કરાયા. કુલ 35 વસ્તુ પોલીસે જપ્ત કરી તપાસ આગળ ધપાવી.

આ રીતે કરી વંદનાએ આયુષિની હત્યા
તપાસ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે વંદનાનો પુત્ર ઓમ અને કિરણબેનની બીજી દીકરી કાવ્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બધાએ વંદનાને જ દોષિત ઠેરવી હતી. આથી વંદના ગુસ્સે ભરાઈ હતી અને આયુષિને પતાવી દેવાનો પ્લાન કર્યો. તેના ભાગરૂપે અગાસી પર એક ધાબળો અને લોખંડનો દસ્તો સવારે જ અગાસી પર મૂકી આવી હતી. કિરણબેન, તેમની પુત્રી કાવ્યા અને વંદનાનો પુત્ર માનવ સાથે બીજા માળે એક રૂમમાં હતા. આયુષિના દાદા-દાદી અને વંદનાનો નાનો પુત્ર મંત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આયુષિ હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. આ સમયે મોકો જોઈને વંદના તેની પાસે આવી હતી અને કહ્યું ‘હાલ હું તને એક વસ્તુ બતાવું’ ત્યારબાદ આયુષિને અગાસી પર લઈ જઈ ધાબળા પર બેસાડીને કહ્યું તું ઊંધી સૂઈ જા. આયુષિ જેવી ધાબળા પર સૂતી તેની સાથે જ પાછળથી દસ્તાનો માથા પર ઘા ઝીંકી દીધો. આયુષિ પડખું ફરીને સીધી થઈ તે સાથે જ કપાળની વચોવચ્ચ બીજો ઘા મારી ખોપરી ફાડી નાખી. બાદમાં બે હાથથી આયુષિની લાશ હાથમાં લઈ બીજામાળે પહોંચી લાશ દાદરા પર ફેંકી દીધી.

વંદનાએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો.
આયુષિની હત્યા કર્યા બાદ બાથરૂમમાં જઈ લોહીથી લથબથ કપડાં સાફ કર્યા અને દાદરા પરનું તેમજ અગાસીમાં લોહીના ખાબોચિયાં ભરાયાં હતા તે સાફ કરી નાખ્યા, તમામ સ્થળે પોતું પણ કરી નાખ્યું, એક બ્લેન્કેટ અને ચાદર લોહીથી સાફ કરી અગાસી પર સૂકવી દીધી. મંગળવારે બપોરે સાડાચાર વાગ્યા આસપાસ વંદનાએ નીચે આવીને બૂમાબૂમ કરી મૂકી કે ‘આયુષિ દાદરા પરથી પડી ગઈ છે’ ત્યારબાદ ઘરના સૌ સભ્યો ભેગા થઈ ગયા અને ખાનગી હોસ્પિટલે આયુષિને ખસેડી હતી.

લોહીવાળા કપડાં ટિપરવાનમાં નાખી દીધા
આયુષિએ જે કપડાં પહેર્યા હતા તે લોહીવાળા કપડાં વંદનાએ ટિપરવાનમાં નાખી દીધા હતા. આથી આ કપડાં કબજે કરવા માટે પોલીસે શહેરના ઉકરડાં પણ ફેંદી નાખ્યા હતા. પણ કપડાં મળ્યા ન હતા. તપાસનીશ પોલીસ અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર કણસાગરાએ ઉપરોક્ત ઘટના અંગે પોલીસને જાણ નથી કરી આથી તેઓની આ કેસમાં શું ભૂમિકા છે તે મુદે્ પણ પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.

વંદના અને તેમના પતિ-જેઠની ધરપકડ
ઉપલેટા પોલીસે આયુષિની હત્યા કરી નાખવાના કેસમાં વંદના નિમાવત અને પુરાવાનો નાશ કરવાના પ્રકરણમાં આયુષિના પિતા ચેતનભાઈ અને વંદનાના પતિ મયૂર નિમાવતની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...