નિર્ણય:યાંત્રિક રાઈડમાં ભાવવધારો ફગાવાતા હરાજી ફરી મોકૂફ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટનો દર રૂ.70 સુધી કરવા અથવા મેળો બે દી’ લંબાવી રાત્રે 1 વાગ્યા સુધીની મંજૂરીની માંગ

રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ લોકમેળો યોજાઈ રહ્યો છે પણ યાંત્રિક રાઈડ્સને કારણે હાલ મામલો ગૂંચવાયો છે અને હરાજી અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રહી છે. લોકમેળા આયોજન સમિતિએ મેળાના અલગ અલગ સ્ટોલ માટે ડ્રો કર્યા બાદ હરાજી શરૂ કરી હતી તેમાં યાંત્રિક રાઈડમાં મામલો અટક્યો હતો. રાઈડ સંચાલકોએ ભાવવધારાની રજૂઆત માટે સમય માગ્યો હતો તેથી હરાજી 2 ઓગસ્ટે રાખી હતી. મંગળવારે હરાજીના દિવસે સંચાલકો રજૂઆત લઈને આવ્યા હતા કે રાઇડમાં ટિકિટનો દર 30 છે તેને 50થી 70 સુધી કરવો જોઈએ કારણ કે મોંઘવારી વધી છે.

સમિતિએ આ ભાવવધારો ફગાવી દીધો હતો ત્યારે સંચાલકોએ ડિપોઝિટ અને અપસેટ પ્રાઈઝમાં આવેલા ભાવવધારાને આગળ ધર્યો હતો અને વાટાઘાટ લાંબીચાલી હતી.સંચાલકોએ ભાવવધારો આપવામા આવે અથવા તો મેળાના દિવસો 5ને બદલે 7 દિવસ કરીને રાત્રીના 12 વાગ્યાને બદલે 1 કલાક વધારવામાં આવે તેવી માંગ કરી હતી આ બંનેમાંથી એકપણ માંગ પર તંત્ર હા પાડી શક્યું ન હતું. રાત સુધી વાટાઘાટો ચાલ્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા હરાજી અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રાખી છે. બુધવારે ફરી વાટાઘાટો થશે અને જો કોઇ નિષ્કર્ષ આવશે તો જ હરાજીની તારીખ નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...