અસામાજિક તત્વોનો આતંક:મકનસર-વાંકાનેર વચ્ચે રેલવે ટ્રેક પર ઇંટોના ટુકડા મૂકી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મોરબીના સેક્શન એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે નોંધાવી ફરિયાદ

વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક પર ઇંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મોરબી રહેતા અને રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબી ખાતે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો સામે રાજકોટ રેલવે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશકુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામાં વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી.

લોકોપાઇલટની સતર્કતાએ દુર્ઘટના ટળી
બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી. દરમિયાન પોણા ચાર વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા એસ-60 સિગ્નલ પાસેથી પસાર થઇ હતી. આ સમયે ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું.

કંટ્રોલરૂમને તાત્કાલિક જાણ કરવામાં આવી
​​​​​​​બાદમાં ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા મળ્યો હતો. એટલું જ નહિ ચાલક સલીમભાઇને રેલવે ટ્રેક પર થોડે આગળ સુધી અને ટ્રેકની આસપાસ ઇંટોના કટકા વિખેરાયેલા નજરે પડ્યા હતા. જેથી તુરંત ચાલક સલીમભાઇએ બનાવ અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલરૂમને જાણ થતા બનાવની પોતાને જાણ કરી હતી. જેથી પોતે સાડા ચાર વાગ્યે બનાવ સ્થળ પર દોડી ગયા હતા.

સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
પ્રાથમિક તપાસમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું નહિ હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી. આમ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ઇંટોના કટકાઓનો મોટો ઢગલો કરી રેલવેને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હોય તકેદારીના ભાગ રૂપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સદનસીબે બનાવ સમયે ડેમુ ટ્રેન ખાલી હતી. તેમ છતાં ચાલકની સમયસૂચકતાએ મોટી ઘટનાને અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...