રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર સૌરાષ્ટ્રનું પહેલું સરકારી આઈવીએફ સેન્ટર બનાવવા માટે વિચાર મુકાયો છે. જો સરકારમાંથી લીલીઝંડી આવશે તો નિ:સંતાન દંપતીઓને મોંઘીદાટ આઈવીએફની સેવા રાહતદરે મળી રહેશે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લામાં વિકાસના કામોની સમીક્ષા કરવા માટે વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલની પાછળ મનુબેન ઢેબર સેનિટોરિયમમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી 160 બેડની હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, દિવ્યાંગ બાળકો માટેના મકાન તેમજ ઓલ્ડ એજ હોમ, ઘોડિયાઘરની અત્યાર સુધીમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને ધ્યાને લઇને હોસ્પિટલના પરિસરમાં આવેલા જૂના બાંધકામોને દૂર કરી નવું બિલ્ડિંગ બનાવી હયાત ક્ષમતા વધારીને 200 બેડની હોસ્પિટલ બનાવાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. પદ્મકુંવરબા હોસ્પિટલ માટે જિલ્લા કલેક્ટરે યુનિવર્સિટી રોડ પર અલગથી જગ્યા ફાળવી છે. આ જગ્યામાં આઈવીએફ સેન્ટર બનાવવા તેમજ ગંભીર રોગના દર્દીઓને વિશેષ કાળજી સાથે સારવાર આપવા માટે પેલિએટિવ સેન્ટર બનાવવાનો વિચાર મુકાયો હતો. આઈવીએફ સેન્ટર બને તો નિ:સંતાન દંપતીઓને રાહતભાવે આઈવીએફની સારવાર મળી શકે અને આ સેન્ટર સૌરાષ્ટ્રનું પહેલું સરકારી આઈવીએફ સેન્ટર બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.