હુમલો:શાપરમાં શ્રમિકને લૂંટતા 5 શખ્સને પડકારતા કાકા-ભત્રીજા પર હુમલો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિ ધવા રોડ પર 20 લાખની ઉઘરાણી કરતા યુવાન પર 3 શખ્સનો હુમલો, તોડફોડ

શહેરની ભાગોળે શાપર-વેરાવળમાં એકલ-દોકલ શ્રમિકને આંતરી રોકડ, મોબાઇલ સહિતની ચીજવસ્તુઓની લૂંટ થતી હોવાના બનાવો અવારનવાર બનતા રહે છે. ત્યારે બુધવારે શ્રમિકને લૂંટતા પાંચ શખ્સને પડકારનાર કાકા-ભત્રીજા પર હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં ભત્રીજાને ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે.

શાપરના શિવનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા કુંવરજીભાઇ રામજીભાઇ રાઠોડ નામના યુવાને પોલીસને જણાવેલી માહિતી મુજબ, બુધવારે સાંજે તેઓ તેમની રિક્ષામાં ભત્રીજો પ્રજ્ઞેશ ગોવિંદભાઇ રાઠોડ સાથે જઇ રહ્યાં હતા. ત્યારે કેપ્ટન ટ્રેક્ટર નામની કંપની પાસે પહોંચતા પાંચ-છ શખ્સ એક શ્રમિકને ધમકાવી તેની પાસેથી રોકડ, મોબાઇલ પડાવતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોતે ભત્રીજા સાથે ત્યાં દોડી જઇ શ્રમિકને ધમકાવતા શખ્સોને પડકાર્યા હતા. જેથી તે શખ્સો ઉશ્કેરાય જઇ છરી, ધોકા સાથે પોતાના અને ભત્રીજા પર તૂટી પડ્યા હતા.

બંને પર હુમલો કરી પાંચેય શખ્સ નાસી ગયા હતા. હુમલામાં ઇજા થતા બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જેમાં ભત્રીજા પ્રજ્ઞેશને ગંભીર ઇજાઓ થઇ હોય સિવિલમાંથી ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. હુમલો કરનાર શખ્સો પારડીના હોવાનું ઇજાગ્રસ્ત કુંવરજીભાઇએ જણાવ્યું છે. કાકા-ભત્રીજા પર થયેલા હુમલાના બનાવનું સાચું કારણ જાણવા શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં હરિ ઘવા રોડ, ભવનાથપાર્ક-1માં રહેતા ભરતભાઇ જીવરાજભાઇ લીંબાસિયા નામના યુવાને કાનજી કાકડિયા, ચિરાગ મોલિયા અને પાર્થ ધાનાણી નામના શખ્સ સામે હુમલો કરી ધમકી આપ્યાની તેમજ ફોર વ્હિલમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ખેતીકામ કરતા ભરતભાઇની ફરિયાદ મુજબ, બુધવારે સાંજે પોતાની કારમાં પોતે તેમજ કાનજી અને ચિરાગ બેઠા હતા. કાનજી પાસે 16 લાખ તેમજ ચિરાગ પાસેથી રૂ.4 લાખ લેવાના હોય તેની ચર્ચા કરતા હતા. ચર્ચા સમયે બંને સાથે બોલાચાલી થઇ હતી.

ત્યાર બાદ ત્રણેય મિત્રો છૂટા પડ્યા હતા. દરમિયાન રાત્રીના અગિયાર વાગ્યે ઘરે હતા. ત્યારે કાનજી, ચિરાગ પાર્થ ધાનાણીને લઇ ઘરે આવ્યા હતા. ઘરે આવેલા ત્રણેય શખ્સે પત્ની સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી. બાદમાં ત્રણેયે ચોકમાં આવવાનું કહેતા પોતે કાર લઇ પટેલ ચોકમાં ગયો હતો. હજુ ગાડીમાંથી ઉતર્યો તે જ સમયે ત્રણેય શખ્સ ધારિયા, છરી સાથે તૂટી પડ્યા હતા. બાદમાં કારમાં તોડફોડ કરી હતી. ત્રણેય શખ્સે જતા જતા પોતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા.

યુવાનને ઇજા થઇ હોય સારવારમાં ખસેડાયો હતો. ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ એસ.એન.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે હુમલો કરી નાસી ગયેલા ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...