શહેરના ગોકુલધામ મેઇન રોડ, આંબેડકરનગરમાં રહેતા નરેશ વલ્લભભાઇ રાઠોડ નામના યુવાને ભરત સુરા લકુમ, તેના બે પુત્ર કરણ, બાદલ અને તેનો ભત્રીજો વિશાલ પુના લકુમ સામે પોતાના અને ભાઇ કેયૂર પર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સોમવારે રાતે પાડોશમાં રહેતા કૌટુંબિક ભાઇ સુનિલ ધીરૂભાઇ રાઠોડ, ભાઇ કેયૂર સાથે ઊભા હતા. ત્યારે કૌટુંબિક ભાઇ સુનિલના સસરા ભરતભાઇ, બે સાળા સહિતનાઓ આવ્યા હતા.
અને કાકા ધીરૂભાઇ તેમજ ભાઇ સુનિલને તું મારી દીકરી દીપુને સરખી રીતે સાચવતો નથી અને રાખતો પણ નથી, તેથી અમે પુત્રી દીપુને સાથે લઇ જવા માટે આવ્યા છીએનું કહી ઝઘડો કરતા હતા. કાકા અને ભાઇ સાથે ઝઘડો થતો જોઇ પોતે ભાઇ કેયૂર સાથે ત્યાં ગયા હતા.
વાત સાંભળ્યા બાદ પિતરાઇ ભાઇના સસરા ભરતભાઇને કહ્યું કે, આવી રીતે તમારી દીકરીને તેડી ન જાવ સમાજના આગેવાન, સગા-સંબંધીઓને લઇ આવો પછી તમે તમારી દીકરીને લઇ જવાની વાત કરી હતી. આ વાત સાંભળી ભરતભાઇ, તેના પુત્રો સહિત ચારેય જણા ઉશ્કેરાય ગયા હતા. અને ભરતભાઇએ છરીથી કેયૂરભાઇ પર હુમલો કર્યો હતો.
ભાઇને બચાવવા પોતે વચ્ચે પડતા પોતાને પણ છરીના ઘા ઝીંકી દઇ માર માર્યો હતો. રાત્રીના દેકારો મચી જતા પાડોશીઓ બહાર આવતા ચારેય શખ્સ નાસી ગયા હતા. હુમલામાં બંને ભાઇને ઇજા થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.