ક્રાઇમ:ગુંદાવાડીના બે માથાભારે શખ્સનો ખરીદી કરવા આવેલા બે સગાભાઇ અને મહિલા પર હુમલો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ અગાઉ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના બે ભત્રીજા પર હુમલો કર્યો હતો

શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા માથાભારે બંધુએ વધુ એક વખત બે સગાભાઇ અને મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાને ધક્કો મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા. સામાપક્ષે હુમલાખોર બંધુ પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ભગવતીપરામાં રહેતા અલ્ફાઝ કાસમભાઇ સીદાદ (ઉ.વ.21)એ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ઉદય ઝાપડા, ઉમેશ ઝાપડા અને તેની સાથેના શખ્સના નામ આપ્યા હતા.

અલ્ફાઝે જણાવ્યું હતું કે, તેના ભત્રીજા અહેમદઅલીની સુન્નતશાદી હોય પોતે, તેના ભાઇ અબ્દુલભાઇ અને તેના ભાભી શાબિયાબાનુ ખરીદી કરવા ગુંદાવાડીમાં ગયા હતા, ભાઇ ભાભી ખરીદી કરી રહ્યા હતા અને અલ્ફાઝ ગુંદાવાડી રોડ પર ઊભો હતો ત્યારે એક્ટિવા પર એક શખ્સ નીકળ્યો હતો અને તેણે કેમ સામું જોવે છે તેમ કહી ઝઘડો કર્યો અને ફોન કરી ઉદય અને ઉમેશ ઝાપડાને બોલાવ્યા હતા. અબ્દુલભાઇ પર હુમલો કર્યો હતો અને અલ્ફાઝને હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો, ખરીદી કરી રહેલા શાબિયાબેન વચ્ચે પડતા તેમને ધક્કો મારી પછાડી દેતા મહિલાના કપડાં ફાટી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી જતાં આરોપીઓ નાસી ગયા હતા.

સામાપક્ષે ગુંદાવાડીમાં રહેતા ઉદય જશવંત ઝાપડા અને મેહુલ જશવંત ઝાપડા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને મહેશે આક્ષેપ કર્યો હતો કે, તેનો ભત્રીજો ધાર્મિક ચા-ખાંડ લેવા ગયો હતો ત્યારે કોઇ શખ્સ સાથે માથાકૂટ થતાં પોતે સમજાવવા જતાં હુમલો કર્યો હતો. પોલીસે બનાવની તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર સહિત બે યુવક પર દિવાળી પર જશવંત ઝાપડા અને તેના બે પુત્ર ઉદય અને મેહુલે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...