તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચોટીલા જઇ રહેલા બે પદયાત્રી પર હુમલો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના આંબેડકરનગરની બે મહિલાને કાચની બોટલ ઝીંકાઇ
  • કુચિયાદડ પાસે ચાર શખ્સ ધોકા-પાઇપથી તૂટી પડ્યા બાદ નાસી છૂટ્યા

શહેરની ભાગોળે કુચિયાદડ નજીક ચોટીલા ચાલીને જઇ રહેલા બે યુવક પર ચાર શખ્સે પાઇપ ધોકાથી હુમલો કરતાં બંને યુવકને હોસ્પિટલમાં ખસેડાયા હતા, તેમજ ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતી બે મહિલા પર પાડોશીએ કાચની બોટલથી હુમલો કર્યો હતો.

ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવનગરમાં રહેતા રમેશભાઇ દાનાભાઇ રાતડિયા (ઉ.વ.32) અને નવાગામની સોમનાથ સોસાયટીમાં રહેતા રામદેવભાઇ માલાભાઇ રવશી (ઉ.વ.34) શનિવારે રાત્રે પોતાના ઘરેથી ચાલીને ચોટીલા જવા નીકળ્યા હતા, બંને યુવક રાત્રીના 10 વાગ્યે કુચિયાદડના પાટિયા પાસે પહોંચ્યા હતા ત્યારે લખા, ધના, શૈલેષ અને નિલેશ ત્યાં ધસી ગયા હતા અને બંને યુવક પર ધોકા પાઇપથી તૂટી પડ્યા હતા. બંને પદયાત્રી પર હુમલો થતાં વાહનચાલકો થંભી જતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા રમેશભાઇ અને રામદેવભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં એરપોર્ટ રોડ પોલીસ દોડી ગઇ હતી અને હુમલાનું કારણ જાણવા અને હુમલાખોરની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી હતી.

અન્ય એક બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાસેના આંબેડકરનગરમાં રહેતા અનિતાબેન મગનભાઇ પરમાર (ઉ.વ.50) અને ડિમ્પલબેન પીયૂષભાઇ પરમાર (ઉ.વ.30) શનિવારે રાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે પાડોશી ગૌતમ સોલંકી ત્યાં ધસી ગયો હતો અને કોઇ મુદ્દે ઝઘડો કરી બંને મહિલાને કાચની બોટલ ફટકારી હતી, હુમલામાં ઘવાયેલા અનિતાબેન અને ડિમ્પલબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...