રાજકોટમાં ફાઇનાન્સર પર હુમલો:17.50 લાખની ઉઘરાણીના મામલે બેરહેમીથી માર માર્યો; ઇમ્પિરિયલ હોટેલમાં સતત 7 દી’ ચાલેલી જુગાર ક્લબમાં રૂપિયા હારી ગયાનો ઘટસ્ફોટ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમીર સોરઠિયા - Divya Bhaskar
સમીર સોરઠિયા
  • રાતૈયાના શખ્સની ક્લબ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યા બાદ નિષ્ઠાથી તપાસ કરી હોત તો ભૂતકાળમાં બનેલી તમામ સત્ય હકીકતો બહાર આવી શકે તેમ હતી
  • ફાઇનાન્સરની ઓફિસમાંથી પોલીસ ડીવીઆર ઉઠાવી ગઇ, જુગારના પૈસાનો મુદ્દો હોવાનું ફરિયાદીએ કહ્યું છતાં પોલીસે FIRમાં ઉલ્લેખ ન કર્યો!!

શહેરના ઢેબર રોડ પર આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી માથાભારે શખ્સોએ રૂ.17.50 લાખની ઉઘરાણી કરી ધમાલ મચાવી ફાઇનાન્સરને બેરહેમીથી માર માર્યો હતો, આ ઘટનાએ ઇમ્પિરિયલ હોટેલમાં ચાલતા ગોરખધંધાને વધુ એક વખત ઉજાગર કર્યો હતો. ફાઇનાન્સરે આક્ષેપ કર્યો હતો કે, પોતે હોટેલમાં સાત દિવસ જુગાર રમ્યો હતો અને તેમાં રૂ.17.50 લાખ હારી ગયો હોય તેની ઉઘરાણીમાં ક્લબ સંચાલક સહિતનાઓએ હુમલો કર્યો હતો.

સહકાર મેઇન રોડ પરની ન્યૂ રામેશ્વર સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બાલાજી એન્ટરપ્રાઇઝ નામે ફાઇનાન્સની ઓફિસ ચલાવતાં સમીર મનુભાઇ સોરઠિયા (ઉ.વ.36)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના ધમભા ઝાલા, જયપાલ ગોહિલ, રાજકોટના કૃષ્ણસિંહ તથા એક અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ભક્તિનગર પોલીસે જણાવ્યું હતું કે, સમીર પાસે જામનગરનો ધમભા ઝાલા રૂપિયા માગતો હોય તેની ઉઘરાણી બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓ સમીરની ઓફિસે ધસી ગયા હતા અને ધમભાએ ફાઇનાન્સર સમીરને પતરાંની પેટી મારી હતી તથા અન્ય શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે, આ મામલે હુમલાનો ભોગ બનનાર સમીર સોરઠિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ જણાવ્યું હતું કે, પોતે જુગાર રમવાની કુટેવ ધરાવે છે, સાતમ આઠમ બાદ જામનગરના ધમભા ઝાલા અને જયપાલસિંહ ગોહિલ સહિતનાઓએ રાજકોટની ઇમ્પિરિયલ હોટેલના સ્યૂટ રૂમમાં જુગાર ક્લબ ચાલુ કરી હતી, પોતે સતત સાત દિવસ જુગાર રમવા હોટેલમાં ગયો હતો, રૂ.1 લાખની બેંક એ પદ્ધતિથી જુગાર રમતા હતા અને પોતે રૂ.17.50 લાખ હારી ગયો હતો, જે રકમ પોતે ચૂકવવાનો હતો પરંતુ પૈસાની વ્યવસ્થા થઇ નહોતી, સોમવારે સાંજે જામનગરના ધમભા ઝાલાએ ફોન કરી જુગારના રૂ.17.50 લાખની ઉઘરાણી કરી હતી, હાલમાં પૈસાની વ્યવસ્થા નથી થોડા દિવસમાં એ રકમ ચૂકવી દેશે તેમ કહેતા ધમભાએ ગાળો ભાંડી હતી અને થોડીવારમાં રાજકોટ આવું છું તેવી ધમકી આપી હતી ત્યારબાદ ધમભા, જયપાલ ગોહિલ, રાજકોટનો કૃષ્ણસિંહ સહિતન શખ્સો ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો, અને ધમાલ કરી આરોપીઓ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા સમીર સોરઠિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાઇનાન્સરની ઓફિસમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર જપ્ત કરી લીધું હતું. સમીર સોરઠિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હુમલાનું કારણ ઇમ્પિરિયલની જુગાર ક્લબમાં પોતે જે રકમ હારી ગયો હતો તેની ઉઘરણી હતી, સમગ્ર ઘટના પોલીસ સમક્ષ કહી હતી પરંતુ પોલીસે ઇમ્પિરિયલ હોટેલ અને જુગારના રૂ.17.50 લાખની ઉઘરાણીનો મુદ્દો ફરિયાદમાં લીધો જ નહોતો.

ઉલ્લેખનીય છેકે, ગત તા.10ના ઇમ્પિરિયલ હોટેલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી લોધિકાના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા સંચાલિત જુગાર ક્લબનો પર્દાફાશ કરી દશ શખ્સને લાખો રૂપિયાની મતા સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ મામલામાં હોટેલના મેનેજર અને રિસેપ્શનિસ્ટની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી, મેનેજરે એવી કબૂલાત આપી હતી કે, પોતે જુગાર માટે રૂમ આપ્યો હતો અને માલિક અજાણ હતા, મેનેજરની વાત ક્રાઇમ બ્રાંચે માની લીધી હતી અને મામલો સમેટી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચના જાંબાઝ અધિકારીઓએ જો તે વખતે હોટેલના રજિસ્ટર સહિતના પુરાવા ચેક કરી ઊંડાણથી તપાસ કરી હોત તો ઇમ્પિરિયલ હોટેલમાં અગાઉ પણ કેટલી વખત જુગાર રમાયો હતો, ક્યા જુગારીઓ રૂમ બુક કરાવતા હતા સહિતનો પર્દાફાશ થઇ શકત, ક્રાઇમ બ્રાંચ પાસે હાઇપ્રોફાઇલ જુગારનો મામલો આવ્યો હતો છતાં તે તેના મૂળ સુધી પહોંચી ન શકતા પોલીસની નીતિરીતિ સામે પણ લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી.

રાજકોટની આજુબાજુના ફાર્મહાઉસમાં પણ ક્લબ ચાલતી’તી
સમીર સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે, પોતે વારંવાર જુગાર રમવા જતો હોવાથી ક્લબ સંચાલકો તેના પરિચયમાં હતા, ક્લબ સંચાલકો રાજકોટની ઇમ્પિરિયલ હોટેલ ઉપરાંત જામનગરના ક્લબ હાઉસમાં પણ જુગારીઓને રમવા બોલાવતા, રાજકોટની આસપાસના ફાર્મહાઉસ, વાડીમાં પણ ક્લબ ચાલતી હતી. ઇમ્પિરિયલ હોટેલ ઉપરાંત રાજકોટની આસપસના ફાર્મહાઉસમાં ક્લબ ચાલતી હોવા છતાં પોલીસ અંધારામાં રહી તે બાબત શંકાસ્પદ છે.

‘પોલીસ સાથે સેટિંગ છે, ડરવાની જરૂર નથી’
ફાઇનાન્સર સમીર સોરઠિયાએ એવું પણ કહ્યું હતું કે, ક્લબ સંચાલક અલગ અલગ સ્થળે ફિલ્ડ બેસાડતા હતા, જ્યાં નક્કી થયું હોય ત્યાં પહોંચવા માટે ફોન કરતા અને તે સ્થળે લઇ જતા હતા, પોલીસ દરોડો પાડશે તો તેવું પૂછવામાં આવતા ક્લબ સંચાલક કહેતા કે, પોલીસ સાથે સેટિંગ થઇ ગયું છે ડરવાની જરૂર નથી.

કૃષ્ણસિંહે રૂપિયા કઢાવવા હવાલો લીધાે
સમીર સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે, ધમભા અને જયપાલસિંહ ગોહિલ જુગાર ક્લબ ચલાવતા હતા તે પોતે રકમ હાર્યો હતો, રૂ.17.50 લાખની ધમભાએ ઉઘરાણી કરી ગાળો ભાંડી હતી, ત્યારબાદ રાજકોટનો કૃષ્ણસિંહ તેના મળતિયાઓ સાથે ઓફિસે ધસી આવ્યો હતો, કૃષ્ણસિંહે રૂપિયા કઢાવવા હવાલો લીધો હોવાનું તેણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...