અસામાજિક તત્ત્વો રાજમાર્ગો પર પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જી આતંક મચાવતા રહે છે. આવા બનાવમાં પરિવાર સાથે બાઇક પર જતા યુવાને કારચાલકને ટપારતા તેમાં સવાર ચાલક સહિત ત્રણ શખ્સે યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. ભગવતીપરા-21માં રહેતા ઇજાગ્રસ્ત મોનજ અશોકભાઇ ગામોટ નામના યુવાને જણાવેલી વિગત મુજબ, તે ગઇકાલે પત્ની, પુત્ર સાથે બાઇક પર રણુજા મંદિર પાસે રહેતા સસરાના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રે પરત ફરતા હતા.
ત્યારે ભગવતીપરા બ્રિજ પર પહોંચતા એક કાર રોંગ સાઇડમાં સામે આવતા સહેજમાં અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જેથી કારચાલકને વાહન સરખું ચલાવવાનું કહેતા કારમાંથી મોરબી રોડ પર રહેતો વિક્રમ ડાંગર અને અન્ય બે અજાણ્યા શખ્સ નીચે ઉતરી ગાળો ભાંડવા લાગ્યા હતા. બાદમાં પોતે પત્ની, પુત્રને બાઇક પર બેસાડી જતા હતા. ત્યારે ત્રણેય શખ્સે તને પુલ ઉતરવા નહિ દઉં કહી કારને આગળ લઇ ગયા હતા. બાદમાં કારસવાર ત્રણેય શખ્સ થોડે પોતાને આંતરી પાઇપથી હુમલો કર્યો હતો.
બાદમાં કારમાં રહેલી કાચની બોટલોના ઘા કરી નાસી ગયા હતા. હુમલા બાદ પત્ની પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી હતી. યુવાને હુમલો કરનાર એકનું નામ જણાવ્યું હોય પોલીસે વિક્રમ ડાંગરને દબોચી અન્ય બેને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.