ક્રાઇમ:મજૂરીના પૈસા મુદ્દે કારખાનેદાર અને તેના ભત્રીજા પર હુમલો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હીરા ઘસવાનું કામ કરતા શખ્સે અન્ય બે સાથે મળી છરી ઝીંકી

ચૂંટણી જાહેર થતા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર વ્યસ્ત છે. ત્યારે શહેરમાં રોજિંદા બની ગયેલા મારામારીના બનાવો સતત ચાલુ રહેતા પોલીસમાં દોડધામ થઇ ગઇ છે. મારામારીના વધુ એક બનાવમાં હીરાનું કારખાનું ધરાવતા કારખાનેદાર અને તેના ભત્રીજા પર હીરા ઘસવાનું કામ કરતા કારીગરે મજૂરીના પૈસા મુદ્દે ઝઘડો કરી અન્ય બે શખ્સ સાથે મળી છરીથી હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

કોઠારિયા રોડ, મણિનગર-4માં રહેતા અને કોઠારિયા રિંગ રોડ પર બાલાજી ડાયમંડના નામથી હીરાનું કારખાનું ધરાવતા હરેશભાઇ ભાણદાસભાઇ દૂધરેજિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કારખાનામાં કામ કરતા રત્ન કલાકારની ભલામણથી નિલેશ વાળંદને કારખાનામાં નોકરીએ રાખ્યો હતો. દિવાળી પહેલા 25 દિવસ તેને કામ કર્યું હોય તેને તેની મજૂરીના પૈસા ચૂકવી આપ્યા હતા. દિવાળીના વેકેશન બાદ ફરી કારખાનું ચાલુ કર્યાના થોડા દિવસ બાદ નિલેશે રૂ.2 હજારનો ઉપાડ કર્યો હતો.

દરમિયાન શનિવારે બપોરે નિલેશ પોતાની પાસે આવી પોતાની મજૂરીનો હિસાબ કરી આપવા અને પોતાને પૈસાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. જેથી તેને હિસાબ કરી રૂપિયા આપું તેમ કહેતા તે ઉશ્કેરાયને જતો રહ્યો હતો. ત્યાર બાદ સાંજે નિલેશ અન્ય બે શખ્સ સાથે ફરી કારખાને આવી તમે મારા પૈસા કેમ આપતા નથી તેમ કહી છરીથી હુમલો કર્યો હતો. પગમાં તેમજ હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે ભત્રીજો હાર્દિક પણ દોડી આવતા તેના ઉપર પણ છરીથી હુમલો કરી ભાગી ગયા હતા. હુમલામાં બંનેને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...