ટેસ્ટ ઓફ ગુજરાતચૂંટણી પ્રચાર પછી, પહેલાં લાબેલાનાં ગાંઠિયા!:અટલજી રાજકોટ આવીને પહેલાં ગાંઠિયા માંગે, કેશુબાપા પ્લેનમાં ગાંધીનગર મંગાવતા, મોદીને ભાવે 'કેસર જલેબી'

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે ચોતરફ રાજકીય હલચલ જોવા મળી રહી છે. ગુજરાતના રાજકારણની દરેક માહિતી દિવ્ય ભાસ્કર આપને જણાવી રહ્યું છે. આજે 'ટેસ્ટ ઓફ ગુજરાત'માં વાત કરવી છે એક એવા વ્યંજનની જે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાજીઓનું પણ પ્રિય છે. આજે આપણે વાત કરીશું રાજકોટના સૌથી જૂના અને જાણીતા એવા નેતાઓના પ્રિય લાંબેલાના ગાંઠિયાની. 1960માં રાજકોટમાં લાબેલાના ગાંઠિયાની શરૂઆત થઈ હતી. એ સમયે 2 રૂપિયે કિલો ગાંઠિયા મળતા હતા. લાબેલાના પોચા ગાંઠિયા સાથે તળેલા મરચાં ને કોબી-ગાજરનો સંભારો તેમજ ગળ્યામાં કેસર જલેબી ભલભલા નેતાજીના મોઢામાં પાણી લાવી દે છે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ લાબેલા ગાંઠિયાનો સ્વાદ માણ્યો હતો. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેવરિટ લાબેલાની કેસર જલેબી છે. અરે.. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તો આખા મંત્રીમંડળ માટે પ્લેનમાં ગાંધીનગર ગાંઠિયા મંગાવતા હતા.

ગુજરાતના 3 CM લાબેલા ગાંઠિયાના શોખીન
ગુજરાતના 3 પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને વિજય રૂપાણી લાબેલાના ગાંઠિયાના શોખીન છે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ વજુભાઈને ખાસ કહેતા કે રાજકોટથી આવતા સમયે લાબેલાના ગાંઠિયા લેતા આવજો. એ ઉપરાંત પણ ઘણી વાર તેઓ આખા મંત્રીમંડળ માટે પ્લેનમાં લાંબેલાના ગાંઠિયા મગાવતા હતા. રાજકોટની જનતા સ્વાદપ્રિય છે તેની સાથે રાજકોટના નેતાઓ પણ સ્વાદપ્રિય છે. રાજકોટના લોકોની સવાર તો ગાંઠિયા-જલેબી સાથે પડે છે તેવું મનાય છે.

મોદી માટે ખાસ કેસર જલેબી નાસ્તામાં મોકલી
હાલ લાબેલા ગાંઠિયાને સંભાળી રહેલા દેવાંગ ગોંધિયાએ જણાવ્યું હતું કે, 1960થી અમે આ પેઢી ચલાવીએ છીએ. મારા દાદાએ ધંધો શરૂ કર્યો હતો, ત્યારબાદ મારા પિતા અને હાલ હું ત્રીજી પેઢીએ ધંધો સંભાળી રહ્યો છું. સામાન્ય લોકો જ નહીં પણ નેતાઓ, મંત્રીઓ પણ આપણાં ગાંઠિયા-જલેબીના દીવાના છે. 2014માં નરેન્દ્ર મોદી અહીં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે અમારી શુદ્ધ ઘીની કેસર જલેબી માણી હતી. ત્યારથી તેઓ લાબેલાની જલેબીના ચાહક છે. પાર્ટી ગમે તે હોય, જે નેતા રાજકોટ સર્કિટ હાઉસ આવે ત્યારે અમારાં ગાંઠિયા-જલેબી અવશ્ય મગાવે છે.

વાજપેયીજી પણ કહેતા, 'કહાં હૈ ગાંઠિયા-જલેબી?'
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ઘણી વખત લાબેલાનાં ગાંઠિયા-જલેબી મગાવ્યાં હતાં. તેઓ રાજકોટ અથવા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આવે એટલે પહેલા અમારાં ગાંઠિયા-જલેબી માગે, એમ કહેતા દેવાંગભાઈએ ઉમેર્યું હતું કે, અમે ક્વોલિટી પર મહત્તમ ફોકસ કરીએ છીએ. અટલજી એક વખત રાજકોટ હાઈવેથી પ્રસાર થતા હતા ત્યારે તેમણે અહીંના કાર્યકરોને કહી રાખ્યું હતું ને હાઈવે પર ગાંઠિયા-જલેબી મંગાવ્યાં હતાં.

વજુભાઈ તો હાલતા ને ચાલતા ગાંઠિયા મંગાવે
વજુભાઈ વાળાને તો લાબેલા ગાંઠિયાનો એવો તે ચસ્કો લાગેલો છે કે તેઓ હાલતા ને ચાલતા તેને માણે છે. વજુભાઈને લાબેલાના ગરમાગરમ ગાંઠિયાની સાથે કોબી-ગાજરનો સંભારો પણ ખૂબ ભાવે. તેમની ઓફિસે તો મહેમાનો માટે ક્યારેક દિવસમાં ચારથી પાંચ વખત નાસ્તામાં ગાંઠિયા લાબેલામાંથી જ મંગાવવામાં આવે છે. આ ઉંમરે પણ વજુભાઈ ભોજનમાં ખૂબ ચરી પાળે છે પરંતુ લાબેલાના ગાંઠિયા સામે આવે એટલે તેઓ અચૂક તેને માણે છે.

કેવી રીતે શરૂઆત થઈ લાબેલાના ગાંઠિયાની?
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર જૂની સીડીવાળી શેરીમાં વર્ષ 1960માં છગનભાઇ જેઠાલાલ ગોંધિયાએ શેરીમાં જ રેંકડી રાખી ગાંઠિયા વેચવાનું શરૂ કર્યું હતું. આજે એ જ શેરીમાં બે દુકાન પર સતત ત્રીજી પેઢીએ છગનભાઈના પુત્ર પીયૂષભાઇ અને પૌત્ર દેવાંગભાઈ ગોંધિયા ધંધો સંભાળી રહ્યા છે. વર્ષ 1960માં છગનલાલ ગોંધિયા દ્વારા 2 રૂપિયા કિલોથી ગાંઠિયા વેચવામાં આવતા હતા. દુકાન પર 10 પૈસામાં એક પ્લેટ ગાંઠિયા લોકો ખાતા હતા.

શરૂઆતમા 2 રૂપિયે કિલો ગાંઠિયા મળતા.
શરૂઆતમા 2 રૂપિયે કિલો ગાંઠિયા મળતા.

નાયલોન ગાંઠિયાના લોકો દીવાના બન્યા
દેવાંગ ગોંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખાસ ફ્લાઈટમાં ગાંધીનગર અમારા ગાંઠિયા જતા હતા. વજુભાઈ વાળા ગાંધીનગર જાય ત્યારે કેશુભાઈ અને આખા મંત્રીમંડળ માટે ગાંઠિયા-જલેબી લઈને જતા હતા. અમારા ગાંઠિયા નાયલોન ગાંઠિયા હોય છે. કેસર જલેબી, રસવાળી અને ગોલ્ડન જલેબી પણ બનાવીએ છીએ. અમે રોજ સવારે 5.30 વાગ્યે દુકાને કામ ચાલુ કરી દઈએ છીએ. 6થી 6.30 વાગ્યા સુધીમાં ગાંઠિયા-જલેબી માટે લોકોની લાંબી લાઈન લાગી જાય છે. ગાંઠિયા સાથે સંભારો અને મરચાં જ આપીએ છીએ.

સવાર પડતાં જ લોકો ગાંઠિયા લેવા પડાપડી કરે છે.
સવાર પડતાં જ લોકો ગાંઠિયા લેવા પડાપડી કરે છે.

કપાસિયા તેલમાં ગરમાગરમ ગાંઠિયા તળાય
લાબેલા ગાંઠિયાની દુકાનમાં ફાફડા, ગાંઠિયા, વણેલા ગાંઠિયા અને શિયાળામાં ખાસ મેથીના ગાંઠિયા બનાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ કપાસિયા તેલમાં જ બનાવવામાં આવે છે. અહીંના ગાંઠિયાની સાથે સાથે ગાજર અને પપૈયાનો ખાટો-મીઠો સંભારો તેમજ તળેલાં મરચાં આપવામાં આવે છે.

લાબેલા ગાંઠિયા-જલેબની દિગ્ગજ નેતાઓ દીવાના (ફાઈલ તસવીર)
લાબેલા ગાંઠિયા-જલેબની દિગ્ગજ નેતાઓ દીવાના (ફાઈલ તસવીર)

શંકરસિંહ બાપુ પણ લાબેલાના ગાંઠિયાના ફેન
લાંબેલા ગાંઠિયાના શોખીન નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સામેલ છે. તેઓ આરએસએસના પ્રચારક હતા ત્યારે મહિનાઓના મહિનાઓ સૌરાષ્ટ્રમાં રોકાતા હતા. તે સમયે તો તેઓ નરેન્દ્ર મોદીની સાથે ગામેગામ ખૂંદી વળતા હતા. રાજકોટમાં દરેક રોકાણ વખતે તેમની સવાર લાબેલાના ગાંઠિયા-જલેબીથી જ પડતી હતી. આ ઉપરાંત તેઓ ઘણી વાર અહીંથી અમદાવાદ નીકળે ત્યારે સાથે પણ પેકેટમાં ગાંઠિયા બંધાવીને લઈ જતા હતા.

સવારમાં 5.30 વાગ્યે ગાંઠિયા-ફાફડા અને જલેબી બનાવવાની શરૂઆત થઈ જાય છે.
સવારમાં 5.30 વાગ્યે ગાંઠિયા-ફાફડા અને જલેબી બનાવવાની શરૂઆત થઈ જાય છે.

રોજ સવારે 5.30 વાગ્યે બન્ને દુકાનમાં કામ શરૂ થાય
આજે પણ લાબેલા ગાંઠિયા એટલા જ પ્રખ્યાત છે જેટલા 1960માં હતા. રોજ સવારે 5.30 વાગ્યાથી દુકાન ખોલી દેવામાં આવે છે અને સાંજ સુધી લોકો ગાંઠિયા-જલેબી અને ખમણનો નાસ્તો કરવા આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા હતા ત્યારે સવારે સર્કિટ હાઉસ ખાતે કેસર જલેબી પ્રધાનમંત્રીના નાસ્તામાં મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...