વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકો પોતાની સમસ્યાઓને લઈને રાજકીય નેતાઓનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. રાજકોટમાં ગઈકાલે 25 સોસાયટીના લોકોએ પાણી ન આવતા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર સાથે વિરોધ કર્યો હતો. આજે વીંછિયાના એસટી બસસ્ટેન્ડમાં ‘ભાજપના ડેમ ભરવાના વચન, ટીપુ પાણી ન આવતા નેતાજીએ મત માગવા આવવું નહીં’ના બેનર લાગ્યા છે.
શું લખ્યું છે બેનરમાં?
બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘72/વિધાનસભા જદસણ-વીંછિયાના લોકોની એક જ માગ પાણી નહીં તો મત નહીં. ચૂંટણી અંતર્ગત ભાજપના એક પણ નેતાએ વીંછિયા તાલુકાના મતદારો પાસે મત માગવા આવવું નહીં. કારણ કે પેટા ચૂંટણીમાં વીંછિયાના રેવાણીયા, ભાડેર, પાનેલીયા એમ ત્રણ ડેમમાં સૌની યોજનાનું પાણી આવે પછી જ હું મત માગવા આવીશ અને પાણી નહીં આવે તો હું મત માગવા નહીં આવું તેવું વચન આપ્યું હતું. પણ આજ સુધી એક ટીપુ પણ પાણી આવ્યું નથી. જેથી ભાજપના ખોટા નેતાઓએ મત માગવા વીંછિયા તાલુકામાં આવવું નહીં.’
ગઇકાલે રાજકોટમાં વિરોધ થયો હતો
ગઈકાલે રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.
ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઇટ નથી
સ્થાનિક લોકોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, નથી કોઈ પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, કચરાની ગાડી પણ સમયસર આવતી નથી. એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ચાર-ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટ નથી, અરજીઓ પણ કરી છે, રાત્રે ચાલવું કેવી રીતે. આ વિસ્તાર બાંગ્લાદેશમાં રહેતો હોય તેવું જ અમારી સાથે પ્રશાસન વ્યવહાર કરે છે.
અનેકવાર રજૂઆત કરી પણ કોઈ જવાબ દેતું નથી
મોટામવાની આંગણ ગ્રીન સોસાયટીમાં રહેતા હરસુખભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, હું અહીં છેલ્લા 10 વર્ષથી રહું છું. અમે પ્રાથમિક સુવિધાઓ માટે જે-તે તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ વિસ્તારમાં દર મહિને બેથી અઢી હજારનું પાણી વેચાતું લેવું પડે છે. આવડી મોટી સમસ્યાનું મેયર અને કોર્પોરેટને ધ્યાન દોર્યું હોવા છતાં આજદિન સુધી જવાબ આપ્યો નથી.
પ્રાથમિક સુવિધાની ખાતરી આપો નહીંતર મતદાન બહિષ્કાર
હરસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આથી અમે નિર્ણય કર્યો છે કે, આ વખતે તંત્રને હરકતમાં લેવા માટે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. અમને જ્યાં સુધી પાણી આપવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારો બહિષ્કાર ચાલુ રહેશે. મોટામવાની 25 સોસાયટી છે અને 20 હજાર મતદારો છે. આગળનો કાર્યક્રમ પણ ગાંધીચિંધ્યા માર્ગે ચાલુ જ રહેવાનો છે જ્યાં સુધી અમારી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી.
(દિપક રવિયા, જસદણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.