• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • At The Age Of 9 The Batch Lifts 20 Kilograms In The Press; The District Took Second Place In The Powerlifting Batch Press Event

રાજકોટની મનોદિવ્યાંગ મનસ્વી:9 વર્ષની ઉંમરે બેચ પ્રેસમાં 20 કિલોગ્રામ વજન ઉપાડે છે; પાવરલિફ્ટિંગની બેચ પ્રેસ ઇવેન્ટમાં જિલ્લાકક્ષાએ બીજું સ્થાન મેળવ્યું છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગોને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તેઓ પણ નામ રોશન કરી શકે છે

પેરાલિમ્પિક્સમાં દેશના દિવ્યાંગ ખેલાડીઓએ હમ હોંગે કામિયાબના સૂત્ર સાથે 19 મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. દિવ્યાંગ ખેલાડીઓને વિવિધ રમતોમાં હજુ વધુ સુવિધાઓ તેમજ યોગ્ય પ્રશિક્ષણ મળે તો વધુમાં વધુ ખેલાડીઓ તૈયાર થઇ શકે છે. આવા જ કિસ્સામાં રાજકોટની મનોદિવ્યાંગ મનસ્વી નિલેશભાઇ નામની તરુણીએ માત્ર નવ વર્ષની ઉમરે પાવરલિફ્ટિંગની બેચ પ્રેસ ઇવેન્ટમાં 20 કિ.ગ્રા. વજન ઉપાડી જિલ્લાકક્ષાએ બીજું સ્થાન મેળવ્યું છે.

પીજીવીસીએલમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ અને તેમના પત્ની રીનાએ દીકરીની સ્થિતિ જોતા સ્પોર્ટ્સમાં સામેલ કરવાનું નક્કી કર્યું. દરેક સ્પોર્ટ્સમાં આમ તો 11 વર્ષની ઉંમરના બાળકો જ સામેલ કરી શકાય છે. તેમ છતાં બે વર્ષ મનસ્વીને પ્રાથમિક તાલીમ અને સ્પોર્ટ્સનું જ્ઞાન મળે તે માટે એથ્લેટિક્સમાં સામેલ કરી. પરંતુ મનસ્વીનું મન ત્યાં ન લાગ્યું, ત્યારે તપાસ કરી પાવર લિફ્ટીંગ કોચ અસફાક ઘુમરાનો ગત વર્ષ સંપર્ક કર્યો હતો. તેમણે મનસ્વીને તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. ટૂંકા જ સમયમાં મનસ્વીએ પાવર લિફ્ટીંગમાં પ્રભુત્વ મેળવી લીધું.

53 કિલોનું વજન ધરાવતી મનસ્વી જ્યારે પ્રેક્ટિસ કરતી હોય ત્યારે માતા રીનાબેન તેનો વીડિયો બનાવે. જે વીડિયો જોઈ મનસ્વી ખૂબ જ આનંદિત થઈ જાય છે. મનસ્વી રોજ સવારે બે કલાક તાલીમ લે છે. આગામી દિવસોમા મનસ્વી શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન અચૂક કરશે તેવો કોચ અસફાક ઘુમરાએ વિશ્વાસ બતાવ્યો છે.

મનસ્વી પર જ ધ્યાન આપવા માટે બીજું સંતાન ન કર્યું
મનસ્વીની માતા રીનાબેને કહ્યું કે, મનોદિવ્યાંગ દીકરીનો જન્મ થયો ત્યારે ખૂબ જ દુઃખ થયું હતું. પરંતુ પતિ નિલેશે ખૂબ જ સધિયારો આપ્યો અને નક્કી કર્યું કે બીજું સંતાન નથી કરવું.એના બદલે સાથે મળી મનસ્વીનું ધ્યાન રાખી તેની જિંદગી બનાવશું. આજે મનસ્વી પાછળ દર મહિને દવા, ખોરાક વગેરે મળી માસિક 25 હજારનો ખર્ચ થાય છે. આજે મનસ્વીને જોતા અમને વિશ્વાસ છે કે મનસ્વી દીકરી વહાલનો દરિયો બની અમારું અને શહેરનું નામ જરૂર રોશન કરશે.

અન્ય સમાચારો પણ છે...