તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ માટે લીધી આઝાદી:‘એ સમયે સરકાર જ દારુની ભઠ્ઠીઓ ચલાવતી, દારુ ન પીવા અમે લોકોને સમજાવતા, ન માને તો પથ્થરમારો કરતા: રાજકોટના 92 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • આજીવન ખાદી પહેરી, સાયકલ ચલાવી, પગમાં ચપ્પલ ન પહેર્યા, ગાંધીજી બોલ્યા ત્યારથી ચા અને ખાંડ છોડ્યા
  • ગાંધીજીના અવસાનને લઇ 3 દિવસ સુધી શોક મનાવવામાં આવ્યો, આ દરમિયાન હું જમ્યો પણ નહીં
  • સરદાર પટેલ ગૃહમંત્રી બન્યા પછી જામનગર આવ્યા ત્યારે મનસુખભાઈને ગાડીના પગથિયે બેસાડ્યા હતા

‘અમે એ વખતે ‘જય હિન્દ’ બોલી શકતા નહોતા.... ખુદ સરકાર દારૂની ભઠ્ઠીઓ ચલાવતી હતી. અમે લોકોને દારૂ ન પીવા કરગરતા... સમજાવતા. આપણા જ લોકો અમારી વાત માનતા નહીં અને અમે રોકવા દારૂની ભઠ્ઠી પર પથ્થરમારો કરતા હતા. એ સમયે તો અમે દારુડિયાઓને રોકવા જઈએ તો પોલીસ પણ પકડીને ઢોર માર મારતી.. લોહીલૂહાણ થઈને અમે ઘરે આવતા...’ આ શબ્દો છે રાજકોટમાં રહેતા 92 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાનાં. આજે આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે મનસુખભાઈએ આઝાદીને લગતા તેમજ તે પછીના તેમના જીવનના કેટલાક રોચક પ્રસંગો વાળોગ્યા હતા.

1941માં જામનગરમાં ભણતો ત્યારથી જ આઝાદીની ચળવળમાં જોડાઇ ગયો
ભલભલા જુવાનીયા શરમાય તેવી દેશભક્તિ, ખુમારી અને શિસ્તબદ્ધતા જેનામાં આજે પણ ભારોભાર છલકાય છે તેવા મનસુખભાઇએ Divya Bhaskar સાથે જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલા હું જામનગરમાં રહેતો હતો. 1941માં અમે સાથે ભણતા ત્યારે ગોકળભાઇ નામના પ્રખર ગાંધીવાદી અમને બધાને એકઠા કરતા હતા અને દારૂ પીવા આવતા લોકોને રોકવાનો પ્રયાસ કરતા હતા. આમ છતાં લોકો ન માને તો પાણાવાળી પણ કરતા હતા.

આઝાદીની ચળવળમાં રેલવે સ્ટેશન સળગતા મારી આંખે જોયા
જામનગરમાં આઝાદીની ચળવળ ચલાવતા હતા. બાદમાં દ્વારકા આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે બધા રેલવે સ્ટેશન સળગાવવા સહિતની ઘટનાઓ મારી આંખે જોઇ હતી. આથી રેલવેનાં પાટામાં મોટી નટ દોરીથી બાંધી દીધી હતી. જોકે ત્યારે ખબર નહોતી કે આ કારણે ગાડી ખડી જાય. બાદમાં દૂર જઈ ઉભા રહી ગયા હતાં. પણ ગાડી ધીમી હોવાથી મોટી દુર્ઘટના થઈ નહોતી. માત્ર એન્જિન ખડી જતા પોલીસ આવી ગઈ હતી અને મને બોલાવતા મેં કહ્યું હતું કે, મને ખબર નથી.

ગોવામાં આઝાદીની ચળવળમાં ગયો અને પોલીસનો ખૂબ માર ખાધો
ગુલામીમાં જય હિન્દ પણ બોલી શકાતું નહીં, છાપા વાંચવા મળે નહીં. વંદે માતરમ્ સહિતના છાપા જપ્ત થઈ જતા હતા. બાદમાં આઝાદીની ચળવળ માટે હું ગોવા ગયો હતો. અહીં પોલીસનો ખૂબ માર ખાધો હતો. જેને લઈને ઘરે આવ્યા બાદ પણ દિવસો સુધી સારવાર લેવી પડી હતી. ગાંધીજીનાં નિધનની જાણ થતાં હું જ્યાં નોકરી કરતો ત્યાં શેઠને કહ્યાં વિના ભાગી ગયો હતો. ગાંધીજીના અવસાનને લઇને 3 દિવસ સુધી અભૂતપૂર્વક શોક મનાવવામાં આવ્યો હતો. તમામ બજારો અને દુકાનો સજ્જડ બંધ રહી હતી. આ દરમિયાન હું જમ્યો પણ નહોતો. બીજી તરફ શેઠે નોકરીમાંથી પણ કાઢી મુક્યો હતો. જેને લઈને ભારે હાલાકી પણ ભોગવવી પડી હતી.

અહિંસક ચપ્પલ બંધ થયા ત્યારથી ચપ્પલ પહેરવાનું બંધ કર્યું
જામનગર અને મોરબીમાં પણ અમે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તેમજ રેલી-સરઘસમાં ભાગ લીધો હતો. મારા બા કહેતા કે ગાંધીજી આપણા ઘરે આવી ગયા છે. પરંતું 1948માં તેઓનું અવસાન થતાં મળવાનું સદભાગ્ય ન મળ્યું. જોકે ગાંધીજીએ કહ્યું હતું ત્યારથી હું ખાંડ અને ચાનો ઉપયોગ બંધ કરી દીધો છે. આગાઉ ખાદી ભંડારનાં અહિંસક ચપ્પલ પહેરતા હતા. પણ એ મળતા બંધ થયા બાદ ચપ્પલ પહેરવાનું બંધ કરી દીધું છે.

સરદાર પટેલ સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે નોકરીમાંથી રજા લઇ મળવા પહોંચ્યો
1948માં સૌરાષ્ટ્ર અલગ થયું ત્યારે સરદાર પટેલ આવવના હતાં. ત્યારે પણ નોકરીમાંથી રજા લઈને પહોંચ્યો હતો. પણ કોઈને ઉભા રહેવા દેતા નહોતા. જામ સાહેબની વિક્ટોરિયા ગાડીમાં વલ્લભભાઈ આવ્યા હતા. અને લોકોનું અભિવાદન ઝીલતા હતા. ત્યારે હું દોડીને ગાડીનાં પંખા પાસે બેસી ગયો હતો. જેને લઈ પોલીસે પકડી લીધો હતો. પણ વલ્લભભાઈએ છોડી મુકવા કહ્યું હતું અને મને ગાડીનાં પગથિયે બેસાડ્યો હતો.

10 હજારની લોન લઈ મોરબી હોનારતમાં સેવા કરી
આગળ વલ્લભભાઈનું ભવ્ય સ્વાગત થયું હતું. પણ હું બહાર જ રહી ગયો હતો. ત્યારે એક વ્યક્તિ કેમેરો ભૂલી ગયો હતો અને તેનો લાભ લઇ હું કેમેરામેન બનીને પહોંચી ગયો હતો. બાદમાં વલ્લભભાઈએ મને ખુરશીમાં બેસાડ્યો હતો. વલ્લભભાઈ આવું ધ્યાન રાખે તે પોતાનું અહોભાગ્ય હોવાનું પણ તેમણે કહ્યું હતું. વલ્લભભાઈનું નિધન થયું ત્યારે 18 વર્ષનો હતો અને સમાચાર મળતા જમતા જમતા ઉભો થઇ ગયો હતો. ત્યારબાદ હું આજ દિન સુધી અત્યંત સાદું જીવન જીવી રહ્યો છું. મચ્છુ હોનારત વખતે 10 હજારની લોન લઇ લોકોની સેવા કરી હતી હંમેશા ખાદી જ પહેરવાની, પોતાના કપડાં જાતે ધોવાના, સાયકલ જ ચલાવવાની સહિતનાં નિયમો આજે 92 વર્ષની ઉંમરે પણ મનસુખભાઇએ જાળવી રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...