રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના પારણામાં નિષ્ઠુર માતાએ પોતાના કાળજાના કલેજાને તરછોડી પલાયન થઈ ગઈ હતી, પરંતુ કહેવાય છે ને કે વિધિના લેખ પર કોઈ મેખ મારી શકતું નથી. તરછોડાયેલા બાળકની ઉંમર હાલ 4 મહિનાની અને નામ પણ હરિ. હરિના નસીબ એવા ખૂલ્યા કે તેને મુંબઈ સુધી ખેંચી ગયા છે. ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી અપરિણીત મહિલા સપના કપૂરે હરિને દત્તક લીધો છે. સપનાએ પણ સિંગલ મધર બનવાનું પસંદ કર્યું હતું, આથી તેણે બાળકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. એમાં અનાથ બાળકો માટે કામ કરતી કારા સંસ્થાએ આ હરિને દત્તક આપવાનું નક્કી કર્યું હતું. આ તમામ દત્તક વિધિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે સપના કપૂરનું ‘મા’ બનવાનું સ્વપ્ન પૂરું થયું છે.
સપના કપૂરે હરિનું નામ કૈરવ રાખ્યું
હરિને લેવા માટે સપના કપૂરનાં મમ્મી અને તેના ફેમિલી ફ્રેન્ડ રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે આવ્યાં હતાં. કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરા અને સંચાલકોએ તમામ વિધિવત દત્તક વિધિ પૂર્ણ કર્યા બાદ હરિને સપના કપૂરને સોંપતાં તેમની આંખમાં ખુશીનાં આંસુ સરી પડ્યાં હતાં અને આ સમયે બાલાશ્રમમાં પણ ભાવુક માહોલ જોવા મળ્યો હતો. પરિવારમાં હરિ ઉર્ફ કૈરવ (સફેદ કમળ) બનીને ખીલશે. મમ્મી સપના કપૂરે તેનું નવું નામ કૈરવ રાખ્યું છે.
સપના કપૂરને આ રીતે બાળક દત્તક લેવાનો વિચાર આવ્યો
મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી સપના કપૂરે સિંગલ મધર બનવાનું નક્કી કર્યું છે. તે હરિને માતાની મમતા સાથે પિતાની હૂંફ પણ આપશે. થોડા સમય પહેલાં દિલ્હીમાં રહેતાં તેના ભાઈ અને ભાભીએ અનાથ બાળકીને દત્તક લીધી હતી. સપના કપૂરના જણાવ્યા મુજબ, ત્યારથી તેમના પરિવારમાં અવનિનું આગમન સાથે ખુશી આવી છે. પોતે પણ સિંગલ જ રહેવા માગે છે. તેના જીવનમાં પણ કોઈ પોતાની વ્યક્તિ હોય તેના માટે તેની મમ્મીએ એક બાળકને દત્તક લેવા માટે સમજાવ્યું હતું અને ભત્રીજી અવનિને જોઈ અનાથ બાળકની માતા બનવાનું વિચાર્યું. આ રીતે સપના કપૂર હવે ચાર મહિનાના બાળકની માતા બનીને તેનો ઉછેર કરશે.
સિંગલ મધર તરીકે બાળકને દત્તક લે એનો આનંદ છેઃ બાલાશ્રમના પ્રમુખ
બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે આજે અમને આનંદ છે કે અમારા આશ્રમનું બાળક મુંબઇના સપના કપૂર નામની મહિલાને દત્તક આપ્યું છે. આશ્રમમાંથી માતા-પિતા બંને આવીને બાળકને દત્તક લેતાં હોય છે, પરંતુ એ વાતનો આનંદ છે કે સપના કપૂર સિંગલ મધર તરીકે બાળકને માતા-પિતાનો પ્રેમ આપશે. સપના ખૂબ સારી કંપનીમાં નોકરી કરે છે. બાળકને ખૂબ સારી રીતે રાખશે એવો અમને વિશ્વાસ છે.
મમ્મી-પપ્પાનો સપોર્ટ છેઃ સપના
સપના કપૂરે જણાવ્યું હતું કે મમ્મી-પપ્પાના સપોર્ટથી બધું સારું થઇ રહ્યું છે. આગળ પણ તેમના સપોર્ટથી બધું સારું જ થશે. હું મારી મમ્મી અને ભાઇ સાથે રાજકોટ હરિને દત્તક લેવા માટે આવ્યાં છીએ. અમે હરિને માતા-પિતાનો પ્રેમ આપીશું. આજે હું બહુ જ ખુશ છું કે સિંગલ મધર બની ગઇ છું.
5 દિવસ પહેલાં ચાર મહિનાનો તત્ત્વ પણ આંધ્રપ્રદેશ ગયો
કાઠિયાવાડ બાલાશ્રમમાંથી ગત 4 ઓગસ્ટના રોજ ચાર મહિનાના તત્ત્વને પણ મમ્મી-પપ્પા મળી જતાં તેની દત્તક વિધિ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના એક શિક્ષિત દંપતી 4 મહિનાના તત્ત્વનાં મમ્મી-પપ્પા બન્યું છે. આગામી ટૂંક સમયમાં ક્રૂરતાપૂર્વક તરછોડાયેલી અંબા પણ ઇટાલી જવાની છે, જેની પ્રક્રિયા ચાલી રહી છે. બે દિવસમાં બે ભૂલકાંને ખુશખુશાલ પરિવાર મળ્યો છે અને હવે આ બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય મળશે.
બાલાશ્રમના પારણામાં જન્મદાત્રીએ હરિને તરછોડ્યો હતો
આજે સુખી અને શિક્ષિત પરિવાર ચાર મહિનાના ભૂલકા હરિને મળ્યો છે. આ જ હરિને જન્મ આપ્યાની સાથે જ જન્મદાત્રી કોઈ મજબૂરીવશ બાલાશ્રમની બહાર મુકાયેલા પારણામાં તરછોડીને ચાલી ગઈ હતી, પણ હવે હરિને મમતાના ખોળે ચલાવનારી માતા મળી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.