રાજકોટ IMAના પ્રમુખની ચેતવણી:વાલીઓ ચેતે, બાળકો સૌથી વધુ સંક્રમિત થશે; અત્યારે સ્કૂલમાં 40% વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે

રાજકોટ11 દિવસ પહેલા
  • કલેક્ટરે IMAના તબીબો સાથે સમીક્ષા બેઠક કરી
  • ઓક્સિજનની અછત ન રહે એવી બેઠકમાં ચર્ચા થઈ

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ ગઇકાલે એક જ દિવસમાં ચાર ગણા વધ્યા હતા, આથી કલેક્ટર તંત્ર સફાળું જાગ્યું છે અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે કલેક્ટરે IMAના તબીબો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ રાજકોટ IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસને લઇને રાજકોટની મોટા ભાગની સ્કૂલોમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. સરકારે સ્કૂલો બંધ કરવાની કોઇ ગાઈડલાઈન્સ જાહેર કરી નથી, પરંતુ વાલીઓએ ચેતવા જેવું છે અને સ્કૂલ-સંચાલકો પણ આમાં ગંભીરતા દાખવે. સ્કૂલો દ્વારા ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ હાલ ગંભીર સ્થિતિ બની ગઈ છે, કારણ કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ચૂકી છે.

અમને તો ગયા અઠવાડિયે ત્રીજી લહેરના ભણકારા વાગ્યા હતા
ડો. પ્રફુલ કમાણીએ વધુમાં જણાવ્યું હતું કે ત્રીજી લહેર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આવી ગઈ છે. આ લહેરના ભણકારા અમને ગત અઠવાડિયે જ લાગી ગયા હતા. ત્યારે પણ સૂચન કર્યું હતું કે આપણે આગળ શી વ્યવસ્થા કરવી પડશે અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે શું શુ ધ્યાન રાખવું પડશે. એના માટે આજે ખાસ કલેક્ટર સાથે અમારી બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લીધી છે, જેમ કે ટેસ્ટિંગ અત્યારે કેટલું થાય છે અને કેટલું વધારી શકાય. ત્યાર બાદ ખાસ કરીને ગામડાંના દર્દીઓને અલગ સારવાર મળે અને શહેરના દર્દીઓને પણ અલગ સારવાર મળે છે એની ચર્ચા થઈ હતી.

બેઠકમાં ઓક્સિજનની અછત ન રહે એ ચર્ચા કરાઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી વાત એ કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા મળી રહે અને તેની સારવારમાં કચાશ ન રહે, દર્દીઓની સારવાર માટે IMAના ડોક્ટરો પણ હાજર રહે અને એમાં પૂરો સહયોગ આપે, ખાસ કરીને બીજી લહેરમાં ઓક્સિજનની અછત હતી. એવી અછત આ વખતે ન સર્જાય એ માટે બધા જ ઓક્સિજન પ્લાન્ટ એક્ટિવ છે કે નહીં એની ચકાસણી કરવી, વધારેમાં વધારે ઓક્સિજન કંઈ જગ્યાએથી મેળવી શકાય એવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટર સાથેની બેઠક બાદ ડો.પ્રફુલ કમાણીએ મીડિયા સાથે વાતચીત કરી.
કલેક્ટર સાથેની બેઠક બાદ ડો.પ્રફુલ કમાણીએ મીડિયા સાથે વાતચીત કરી.

બાળકો કોરોનામાં ધકેલાશે તો સંભાળવું મુશ્કેલ પડશે
સ્કૂલો બંધ રાખવી જોઇએ કે નહીં એવા મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આજે જ ઘણીબધી સ્કૂલમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. વાલીઓમાં પણ આ ચિંતા આવી ગઈ છે. જો આ રીતે જ કેસની સંખ્યા વધતી જશે તો બાળકો વધુમાં વધુ સંક્રમિત થશે. આ જ સુધીમાં સરકાર દ્વારા એવી કોઈ ગાઇડલાઇન્સ જાહેર કરી નથી કે શાળાઓ બંધ કરવી જોઇએ, પરંતુ વાલીઓએ ચેતવા જેવું છે, કારણ કે કેસ વધતા જશે તો વધારેમાં વધારે બાળકો સંક્રમિત થશે. વાલીઓ અને સ્કૂલ-સંચાલકોએ આ બાબત ખાસ ગંભીરતાથી લેવી જોઇએ. બાળકો માટે સૌથી વધારે સુરક્ષા ઘરમાં જ છે, કારણ કે બાળકો બીમારીના ભોગ બનશે તો આપણે એન રોકી નહીં શકીએ.

કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી
કોરોરોનાની વૈશ્વિક મહામારીની સંભવિત સ્થિતિ અંગે રાજકોટ જિલ્લામાં ઉપલબ્ધ સારવાર તેમજ અન્ય મેડિકલ વ્યવસ્થાઓ માટે આજે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સરકારી હોસ્પિટલોના તબીબો તેમજ IMAના પ્રેસિડેન્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં કોરોનાની બીજી લહેર વખતે હાથ ધરાયેલી કામગીરી અને તેમાં જરૂરી સુધારા-વધારા તેમજ હાલ ઉપલબ્ધ સુવિધાઓ અંગે સમીક્ષા કરી તબીબી અને પેરામેડિકલ સ્ટાફને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કલેક્ટર કચેરીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓનું ટેસ્ટિંગ કરવા આદેશ
રાજકોટ જિલ્લામાં હાલ સામાન્ય શરદી-ઉધરસ-તાવના જે કેસો આવી રહ્યા છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કેસોમા જોવા મળતા શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓનું ટેસ્ટિંગ થાય તે માટે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગર કક્ષાએ કરાયેલી તૈયારીઓ, રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલોમાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...