પાડોશી વચ્ચે 'વિવાદનો ડાયરો':રાજકોટના રવિરત્ન પાર્કમાં પાર્કિંગ મુદ્દે લોકકલાકાર દેવાયત ખવડે ધોકો લીધો, રોફ જમાવી પાડોશી સાથે રાત્રે ઝપાઝપી કરી

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકસાહિત્યકાર અને કાર્યક્રમમાં વારંવાર ‘રાણો રાણાની રીતે’ બોલનાર દેવાયત ખવડે આજે પાડોશીઓ વચ્ચેની માથાકૂટમાં ધોકા સાથે કૂદી પડી રૌફ જમાવ્યો હતો. રવિરત્ન પાર્કમાં રહેતા એક સરકારી કર્મચારી અને તેની સામે રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી કાર પાર્કિંગ મુદે્ માથાકૂટ અને રકઝક ચાલતી હતી.

આ દરમિયાન બુધવારની મોડીરાત્રે કર્મચારીના ઓળખીતાઓ રવિરત્ન પાર્કમાં ધસી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને બહાર બોલાવી રકઝક કરી હતી જેમાં બન્ને પક્ષે ગરમાગરમી થતાં વાત મારકૂટ સુધી પહોંચી હોવાનું લત્તાવાસીઓએ જણાવ્યું હતું.

આ ઝપાઝપીને કારણે તે જ વિસ્તારમાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ધોકા સાથે કૂદી પડ્યા હતા. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર દેવાયત ખવડના મિત્ર હોવાથી સામા પક્ષ સામે રૌફ જમાવ્યો હતો. જો કે આ મામલે પોલીસે મૌન સેવી લીધું હતું અને કંઈ જ બન્યં ન હોય તેવી વાતો કરી હતી પરંતુ ભાસ્કર પાસે ઘટનાનો ફોટો સત્યની સાબિતી આપી રહ્યો છે.