રાજકોટમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવ્યા છે. સાંજે 7 વાગ્યે યોજાયેલી સભામાં ભીખુભાઈ પરમાર નામના આપના કાર્યકરે મોંઘવારીનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભીખુભાઈ ઘોડા પર સવાર થઈ તેલના ખાલી ડબા સાથે પહોંચ્યા હતા. આ અનોખો વિરોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવવાધારાથી આ કાર્યકર ઘોડા પર સવાર થઈ સભાસ્થળે પહોંચ્યા હતા.
કેજરીવાલની એન્ટ્રી થતા કાર્યકરો નાચવા લાગ્યા
શાસ્ત્રીમેદાનમાં યોજાયેલી સભામાં જ્યારે કેજરીવાલની એન્ટ્રી થઈ ત્યારે આપના કાર્યકરો નાચવા લાગ્યા હતા. અરવિંદ કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંદાજિત 10 હજાર જેટલા લોકો સભામાં ઉમટી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં આપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. અરવિંદ કેજરીવાલની રાજકોટ સભા પર ગુજરાતભરના નેતાઓની નજર છે.
સભાસ્થળે 400 પોલીસ જવાન તૈનાત રહ્યા હતા
સાંજે 6 વાગ્યે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા યોજાઇ હતી. જેમાં સભામાં કેજરીવાલ પર હુમલો થવાની ભીતિ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સભાસ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે કેજરીવાલની જાહેરસભા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા રાહત અનુભવી હતી. સભાસ્થળે 400 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.