કામગીરી:સંતકબીર રોડ પર 20 સ્થળે ફૂટપાથ પરથી પતરાં અને ઓટલાના દબાણ દૂર કરાયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 મિલકત પાસેથી સ્થળ પર જ 4.50 લાખનો વેરો વસૂલ કરાયો

રાજકોટ મનપાએ સ્વચ્છતા તેમજ ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરના 48 રાજમાર્ગ પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરી છે. જેમાં દર સપ્તાહમાં ક્રમશઃ ત્રણેય ઝોનમાં વારાફરતી અલગ અલગ દિવસે એક વોર્ડમાં એક મુખ્ય રોડ પર વિવિધ શાખાઓ કામ કરે છે. શનિવારે આ ઝુંબેશ અંતર્ગત ઈસ્ટ ઝોનમાં સંતકબીર રોડ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં 20 જેટલા દુકાનધારક તેમજ ફેરિયાઓએ ફૂટપાથ પર ઓટલા અને પતરાં સહિતના બાંધકામોના દબાણ દૂર કર્યા હતા.

આ ઉપરાંત અલગ અલગ સ્થળોએ રોડ સમારકામ, અનધિકૃત દબાણ હટાવ, ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશન, ટેક્સ વસૂલાત કરવી, કચરો ફેલાવનારાઓને દંડ સહિતની કાર્યવાહી કરી હતી. જગ્યા રોકાણ શાખાએ નાની મોટી કેબિન, થડા, સામાન સહિત કુલ 64 જેટલો સામાન જપ્ત કર્યો હતો જ્યારે સોલિડ વેસ્ટ શાખાએ જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા 30 આસામી પાસેથી 11850નો દંડ વહીવટી ચાર્જના રૂપે લીધો હતો.

વેરા વસૂલાત શાખાએ 30 બાકીદાર પાસેથી 4.50 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી જ્યારે 122 નવી મિલકતનું જિઓ ટેગિંગ પણ કર્યું હતું. આ બધી દંડનીય તેમજ વસૂલાતની કામગીરી ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજ સફાઈ, મેન હોલની સફાઈ તેમજ ફૂટપાથ, રોડ સહિતને રિપેરિંગ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...