વાસ્તવિક જિંદગીને બદલે સ્વપ્નોમાં રાચતા યુવક યુવતીઓને ક્યારેક પોતાની ગુલબાંગો કેટલી મોંઘી પડે તે વાતને સમર્થન આપતી ઘટના રાજકોટમાં બની હતી. પોતાની પાસે રૂ.1 કરોડની રોકડ પડી હોવાની અને નાણાંની જરૂર હોય તો મદદ કરશે તેવી પ્રેમીને ગુલબાંગો મારતી યુવતી પાસે પ્રેમીએ ખરેખર રૂ.1 કરોડની માંગ કરતા યુવતીની હાલત કફોડી બની હતી અને સગાઇ પહેલાં જ પોતે ખોટી પડશે તેવી ભીતિ લાગતાં તેણે ચોરીનું નાટક કર્યું હતું, અને અંતે તેણે લોકઅપમાં પુરાવાની વેળા આવી હતી.
રૈયા રોડ પરની તિરુપતિ સોસાયટીના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતી અને ગણપત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ બાયોલોજીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી કૃપા વિનોદભાઇ પીઠડિયા (ઉ.વ.22)નો સોશિયલ મીડિયાથી આજી વસાહતમાં કાચની ફેક્ટરી ધરાવતાં કૌશલ જયંતી મકવાણા સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા, કૌશલે તાજેતરમાં એક મકાન ખરીદવાનો સોદો કરતા તેને રૂ.1 કરોડની જરૂરિયાત ઊભી થતાં પ્રેમિકા કૃપાને પૈસા આપવાનું કહેતા કૃપાએ રૈયા રોડ પર આવેલી એસબીઆઇ બેંકમાં પોતાના લોકરમાં રકમ પડી છે.
તેમ કહી શનિવારે પૈસા લોકરમાંથી લઇ આપશે તેવી વાત કરી હતી, શનિવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં કૃપાએ પ્રેમી કૌશલને મેસેજ કર્યો હતો કે, પોતે એસબીઆઇ બેંકના લોકરમાંથી રોકડા રૂ.1.09 કરોડ ઉપાડીને તે રકમ થેલામાં રાખી હતી અને થેલો એક્ટિવામાં રાખી ઘરે જવા નીકળી હતી ત્યારે રસ્તાકમાં ચક્કર આવ્યા બાદ બેભાન થઇ ગઇ હતી.
અને ભાનમાં આવી ત્યારે 1 કરોડની મતા ભરેલો થેલો કોઇ ઉઠાવી ગયું હતું, પ્રેમિકાનો મેસેજ વાંચી પ્રેમી કૌશલ મકવાણાએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ગાંધીગ્રામ પોલીસનો કાફલો કૃપાના ઘરે દોડી ગયો હતો અને કૃપાની પૂછપરછ કરતા શરૂઆતમાં તો તેણે લોકરમાંથી રોકડા રૂ.1.09 કરોડ ઉપાડ્યાની અને ચોરી થયાની વાત ચાલુ રાખી હતી,
પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમજ તપાસ કરતાં કૃપાને લોકર જ નહીં હોવાનું ખુલ્યું હતું, પોલીસે અંતે કૃપાની ઊલટ તપાસ કરતા તે ભાંગી પડી હતી અને તેણે કબૂલાત આપી હતી કે, પ્રેમી પાસે ખોટી પડશે તેવી ભીતિ લાગતાં ચોરીનું નાટક કર્યું હતું, પોલીસે કૃપા સામે પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.