રાજકોટ જિલ્લા બાગાયત ખાતાના કેનિંગ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં 400 જેટલી બહેનોને કેનિંગની તાલીમ આપવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગની 42 છાત્રાએ હાલમાં આ તાલીમ પૂર્ણ કરી છે. આ છાત્રાઓનો સર્ટિફિકેટ અને સ્ટાઈપેન્ડ વિતરણ કાર્યક્રમ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ ખાતે યોજાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીના હસ્તે છાત્રોઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે કુલપતિએ બહેનોને બાગાયત વિભાગ દ્વારા કેનિંગની તાલીમ આપવાના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં છાત્રાઓને મિલેટ્સનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, જો યુનિવર્સિટીની છાત્રાઓ મિલેટ્સ કે ખાદ્ય પદાર્થોના વ્યાવસાયિક ઉત્પાદનનો વિચાર લઈને આવશે તો તેમને એસ.એસ.આઈ.પી. (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી) અંતર્ગત રૂપિયા 50 હજારથી લઈને રૂપિયા 2.50 લાખ સુધીની સહાય આપવામાં આવશે.
બાગાયત ખાતાના કેનિંગ વિભાગ દ્વારા ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમ યોજના અંતર્ગત બહેનોને કેનિંગની તાલીમ અંતર્ગત ફળ અને શાકભાજીમાંથી અથાણાં, જામ, મુરબ્બા સહિતની વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવે છે. જેનાથી બહેનો આ ખાદ્ય પદાર્થોનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરીને, આવક મેળવવા સક્ષમ બને છે. આ સાથે આ તાલીમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા બહેનોને રોજના રૂપિયા 250 લેખે, પાંચ દિવસના રૂપિયા 1250નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.
રાજકોટના મદદનીશ બાગાયત નિયામક હિરેન ભીમાણીએ કહ્યું કે, જિલ્લા બાગાયત કચેરી દ્વારા ચાલુ વર્ષમાં 400 જેટલી બહેનોને આ રીતે કેનિંગની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને, જે છાત્રાઓ હોમ સાયન્સનો અભ્યાસ કરે છે, તેઓ આવક મેળવવાની સ્કિલ શીખી શકે તે હેતુથી આ વર્ષમાં છાત્રાઓને તાલીમ પર વધુ ભાર મુકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.