ધરપકડ:સ્પા કર્મી પર ચેઇન ચોરીનું આળ મૂકી રૂપિયા 1.50 લાખ માગ્યા, છ ઝડપાયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથિત મીડિયા કર્મી ચેઇન ચોરીની વાત સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા, પરંતુ પોલીસે આગવીઢબે પૂછપરછ કરી તો ફરિયાદીને બદલે આરોપી બની ગયા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની સોમનાથ સોસાયટીમાં અરિવા વેલનેસ એન્ડ હેલ્થકેર નામે સ્પા ચલાવતો સંજય ટીકારામ સોની (ઉ.વ.20) ગત તા.4ના બપોરે સ્પા પર હતો ત્યારે જયરાજ અને રવિ નામના બે શખ્સ સ્પા માટે આવ્યા હતા અને સ્પાનો રૂ.એક એક હજારનો ચાર્જ ચૂકવી સ્પા કરાવવા અલગ અલગ રૂમમાં ગયા હતા, એક કલાક બાદ બંને રૂમની બહાર નીકળ્યા હતા અને તેમણે પહેરેલો સોનાનો ચેઇન ચોરી થયાની સ્પા સંચાલક સંજયને વાત કરી હતી, સંજય સહિતના સ્ટાફે તમામ રૂમમાં અને સ્પા કરતી યુવતીઓની તપાસ કરી હતી.

પરંતુ ચેઇન ચોરી થયાની વાતને સમર્થન મળ્યું નહોતું, દરમિયાન જયરાજે ફોન કરતાં મયૂર કાંતિલાલ પાણખાણિયા, ગૌતમ અશોક દેથરિયા, સંજય બાબુ મકવાણા અને સુરેશ જીવરાજ પાડલિયા નામના શખ્સો ધસી ગયા હતા. એકના હાથમાં મોબાઇલ અને બીજાના હાથમાં માઇક હતું, મયૂર, સંજય અને સુરેશે પોતાની ઓળખ એનએન 7 ન્યૂઝના રિપોર્ટર તરીકે આપી હતી, ત્રણેય કથિત મીડિયા કર્મીએ સ્પા કાયદેસર રીતે ચાલે છે કે કેમ તેમ કહી ડોક્યુમેન્ટ માગ્યા હતા અને કેસ પતાવવો હોય તો રૂ.1.50 લાખ આપવા પડશે તેમ કહી પૈસાની માંગ કરી હતી.

ગભરાઇ ગયેલા સંજયે રૂ.75 હજાર આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ તમામ શખ્સોએ રૂ.1.50 લાખની માંગ કરી હતી અને પૈસા નહીં મળતાં પોલીસને પણ જાણ કરી હતી, ગાંધીગ્રામ પોલીસ તમામ લોકોને લઇને પોલીસ સ્ટેશને પહોંચી હતી. પીઆઇ વાળા સહિતના સ્ટાફે તમામ માહિતી મેળવી હતી અને સ્પાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ભાંડો ફૂટી ગયો હતો. સ્પા કરાવવા ગયેલા બંને શખ્સે સોના જેવા લાગતા બગસરાના દાગીના પહેર્યા હતા અને સ્પા કરાવી અન્ય લોકોને તે દાગીના આપી રવાના કરી દેતા નજરે પડ્યા હતા, ભાંડો ફૂટતાં જ પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કથિત રિપોર્ટરે પૈસા પડાવવા કાવતરું રચ્યાની કબૂલાત આપી હતી. પોલીસે સ્પા સંચાલક સંજયની ફરિયાદ પરથી ઉપરોક્ત તમામ છ શખ્સ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...