તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની પોલ ખૂલી:સિવિલમાં લોપ્રેશરનું કહી દર્દીના સંબંધી પાસેથી ઓક્સિજન મગાવ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરતા તંત્રની પોલ ખૂલી
  • દર્દીઓના પરિવારજનો સ્વજનનો જીવ બચાવવા દર દર ભટકે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા હોવાના તંત્રના દાવાની વધુ એક પોલ ખૂલી હતી. ઓક્સિજનનું લોપ્રેશર હોવાનું કહી દર્દીના સંબંધીને બહારથી ઓક્સિજન સિલિન્ડર લઇ આવવા માટે તબીબો દ્વારા કહી દેવામાં આવે છે. સિવિલ દાખલ ગરીબ દર્દી માટે આવી વ્યવસ્થા કરવી પડકારરૂપ બને છે.

મેંદરડાના વિનાયક બલરામભાઇ ચૌહાણ નામના 25 વર્ષના યુવકનું ઓક્સિજન લેવલ નીચું જતાં શુક્રવારે સાંજે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તબીબોએ વિનાયક ચૌહાણને તપાસીને તેને હોસ્પિટલના સાતમા માળે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને દર્દી વિનાયકને ઓક્સિજન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

શનિવારે સવારે ફરજ પરના તબીબે વિનાયકના સંબંધીને કહ્યું હતું કે, દર્દીને હોસ્પિટલમાં લગાવાયેલી ઓક્સિજનની લાઇનથી ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે પરંતુ લાઇનમાં લોપ્રેશર હોય અને દર્દીને વધુ ઓક્સિજનની જરૂરિયાત હોવાથી બહારથી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાની રહેશે અને જો સિલિન્ડર પહોંચાડશો તો જ દર્દીને વધુ ઓક્સિજન પૂરું પડાશે.

તબીબની વાત સાંભળી દર્દીના પરિવારજનોની હાલત કફોડી બની હતી. મેંદરડાથી આવેલા શ્રમિક પરિવાર માટે રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર મેળવવું મુશ્કેલ બન્યું હતું અનેક સ્થળે દોડધામ કરવા છતાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા તેના પરિવારજનો કરી શક્યા નહોતા, જોકે દર્દીની સ્થિતિને ધ્યાને લઇને તબીબોએ પણ હોસ્પિટલમાંથી જ સિલિન્ડરની વ્યવસ્થા કરાવી નહોતી.

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને તમામ પ્રકારની સારવાર પહોંચાડવાની જવાબદારી હોસ્પિટલના સત્તાધીશોની છે ત્યારે દર્દીના સંબંધી પર ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાની જવાબદારી થોપી બેસાડવાનું કેટલું યોગ્ય ગણાય? આવા સવાલ અન્ય દર્દીના પરિવારજનોમાં ચર્ચાતા હતા.

ડોક્ટર અને દર્દીના સંબંધી સાથે થયેલો વાર્તાલાપ
સંબંધી: નમસ્કાર સાહેબ, ઓક્સિજનના બાટલાનું કહેવામાં આવ્યું છે, કેવડો બાટલો જોશે?, તો મેંદરડાથી લઇ આવું.

ડોક્ટર: ઓક્સિજન સિલિન્ડરની તમારે વ્યવસ્થા કરવાની છે, અહીંથી આવે છે પરંતુ પૂરતું નથી, દર્દીને વધારાના ઓક્સિજનની જરૂરિયાત છે.
સંબંધી: કેવડું સિલિન્ડર મગાવું?.
ડોક્ટર: જે વ્યવસ્થા થાય તે કરો, મોટો થાય તો મોટો અને નાનો થાય તો નાનો, એવું લાગે તો બીજો અમે કરી દઇશું.
સંબંધી: એક સિલિન્ડરની વ્યવસ્થા કરાવુંને?
ડોક્ટર: જેટલી વ્યવસ્થા થાય એ કરો, દર્દીની હાલત થોડી ગંભીર છે, બહુ વાંધો નથી, સ્ટેબલ છે, દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું છે.
સંબંધી: ભલે સાહેબ, શું નામ આપનું?
ડોક્ટર: પ્રિત મુંગરા.

અન્ય સમાચારો પણ છે...