હવે વેક્સિનનો વેપાર:અમદાવાદની જેમ રાજકોટમાં પણ ખાનગી હોસ્પિટલમાં રસીકરણને મંજૂરી, HCG હસ્પિટલ અંદાજે એક હજાર રૂપિયામાં વેક્સિન મૂકી આપશે

રાજકોટ5 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • ગાંધીનગરથી મંજૂરી મળી છે, ક્યારથી શરૂ કરે તે હોસ્પિટલ પર આધાર છે- એડિશનલ કલેક્ટર

વેક્સિનેશનને વેગ આપવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદની જેમ રાજકોટમાં ખાનગી હોસ્પિટલને રસીકરણની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટની HCG હોસ્પિટલમાં અંદાજે એક હજારમાં વેક્સિન મૂકી આપવામાં આવશે. એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સચિવની વીસી યોજાઇ હતી અને તેમાં આપણા રાજકોટ જિલ્લામાં 45થી વધુ ઉંમરના હજારો લોકોને રસીકરણ બાકી હોય તે ઝડપી બનાવવા અંગે ખાસ સુચના અપાય છે. અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ ખાનગી હોસ્પિટલને રસીકરણ માટે મંજૂરી અપાય છે. આથી હવે વેક્સિનનો વેપાર પણ રાજકોટ ચાલુ થઇ જશે.

કારખાનેદારો પોતાના ખર્ચે HCGમાં કામદારોને રસી મૂકાવશે
પરિમલ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારની સીધી સુચના બાદ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ખાનગી HCG હોસ્પિટલને રસીકરણ માટે કલેક્ટરે મંજૂરી આપી છે, તેઓ આજથી રસીકરણ કરશે અથવા કાલથી જે હોસ્પિટલ નક્કી કરશે. લગભગ અમદાવાદની જેમ 1 હજાર રૂપિયા ભાવ રહેશે. આ હોસ્પિટલમાં રસીકરણ અંગે અમે ઇન્ડસ્ટ્રીયલ એસો.ના હોદ્દેદારોને બોલાવી તેમના કામદારોને ઝડપથી રસી અપાય તેવી અપીલ કરી રહ્યા છીએ. કારખાનેદારો જે તે કામદારને પોતાના ખર્ચે HCGમાં રસી અપાવશે.

રસીકરણને વેગ મળશે (ફાઇલ તસવીર).
રસીકરણને વેગ મળશે (ફાઇલ તસવીર).

સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 24 કલાકમાં 11 કેસ
મ્યુકોરમાઇકોસિસના કેસો અંગે તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં 24 કલાકમાં 11 કેસ આવ્યા છે અને 18 દર્દીના ઓપરેશન થયા છે. ભલે આજથી 100 ટકા હાજરીનો નિર્ણય આવ્યો હોય પરંતુ હજુ સાવચેતી સંદર્ભે કાલનું કલેક્ટરનું અપીલ-મહેસુલના કેસોનું બોર્ડ, બીનખેતી ઓપન હાઉસ રદ કરાયા છે. તેમજ પુરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ પણ હાલ હમણા શરૂ નહિ કરાઈ. ડીએસઓ દ્વારા કલેક્ટરની મંજૂરી લઇ બાદમાં કાર્યવાહી થશે.

દિવ્યાંગો, અશક્તો, વૃદ્ધોને દૂર વેક્સિનેશન સેન્ટર સુધી નહિ જવું પડે
આરોગ્ય કમીશનરના પરિપત્ર મુજબ હવે દિવ્યાંગો, અશક્તો, વૃદ્ધોને દૂર વેક્સિનેશન સેન્ટર સુધી નહિ જવું પડે. તેઓ જ્યાં રહેતા હશે તેમની બાજુમાં જ આવેલા કોમ્યુનિટી હોલ, સ્કૂલોમાં તેમને વેક્સિન માટે ટીમો દ્વારા લવાશે.

અન્ય સમાચારો પણ છે...