રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ વખત રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું છે જેનું ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે કર્યું હતું. લોકાર્પણ બાદ સ્પર્ધકોને મત આપવા માટે મનપાની વેબસાઈટ પર તેનો ઓપ્શન ખુલ્લો મુકાયો હતો.
મનપાએ રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યા બાદ કોઇપણ નિર્ણાયકોની પેનલ રાખવાને બદલે લોકો જ વિજેતા પસંદ કરે તે માટે ઓનલાઈન વોટિંગ સિસ્ટમ અમલી બનાવી હતી. જેમાં સ્પર્ધકે જે રંગોળી કરી હશે ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા તો મનપાની વેબસાઈટ પર જઈને સ્પર્ધકના નંબર નાખીને પણ વોટ કરી શકે છે. લોકાર્પણ બાદ વોટિંગ શરૂ થતાં જ એક જ સમયે 2500થી વધુ લોકોએ એકસાથે વોટ કરતા સર્વર જામ થતાં ઓટીપી મળતા ન હતા. જો કે માત્ર 10 મિનિટમાં જ ફરીથી વોટિંગ શરૂ થયા હતા.
પ્રાથમિક તબક્કે નક્કી થયું હતું કે, એક નંબર પરથી વ્યક્તિગત કેટેગરી તેમજ ગ્રૂપ કેટેગરીમાં એક એક જ વોટ આપી શકાશે પણ સ્પર્ધકોની સંખ્યા અને મુલાકાતીઓની સંખ્યાને ધ્યાને લઈને એક નંબર પરથી અલગ અલગ 5 સ્પર્ધકો એટલે કે કુલ 10ને મત આપી શકાશે જોકે એક જ સ્પર્ધકને બીજો મત આપી શકાશે નહિ. જો બીજી વાર પ્રયત્ન કરવામાં આવશે તો સિસ્ટમ જ તે વોટ નાખવા નહીં દે અને એરર આવી જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.