તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજી યથાવત્:કપાસના ભાવ વધતા ખેડૂતોએ જૂનો માલ વેચવાનું શરૂ કર્યું

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંગ્રહખોરોએ વેચાણ પર બ્રેક લગાવી
  • કપાસે રૂ.1600 ની સપાટી કુદાવી

કોરોનાની બીજી લહેર બાદ કપાસની ડિમાન્ડ યથાવત્ રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ ઊંચી જતા સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિના પહેલા એક મણ કપાસનો ભાવ રૂ.1200 હતો હવે તેનો ભાવ રૂ.1600ની સપાટી કુદાવી છે.

એક બાજુ કપાસના સારા ભાવ મળતા ખેડૂતો પોતાની પાસે રહેલા જૂના માલનો નિકાલ કરવા લાગ્યા છે. જ્યારે બીજી તરફ સંગ્રહખોરો આ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે. સારા ભાવ મળવાની આશાએ હાલ સંગ્રહખોરોએ વેચાણ પર બ્રેક લગાવી દીધી છે. ગુરુવારે બેડી યાર્ડમાં કપાસની આવક 370 ક્વિન્ટલ નોંધાઈ હતી. જેમાં એક મણનો ભાવ રૂ.1120 થી લઇને રૂ.1615 સુધી ઉપજ્યા હતા. આમ, ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા તેઓને પૂરતા ભાવ મળ્યાનો સંતોષ છે. કાપડ માર્કેટમાં વરસાદ પછી નવો સ્ટોક આવશે.

અત્યારે દિલ્હી અને તિરૂપુરથી હોઝીયરી મટિરિયલ્સની આવક ચાલુ હોવાનું રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેષભાઈ અનડકટ જણાવે છે. કોરોના બાદ જીન્સ અને અન્ય ગાર્મેન્ટનું ઉત્પાદન શરૂ થયું છે. જેને કારણે કપાસના ભાવમાં વધારો શરૂ થયો છે.

કપાસની ગાંસડીનો ભાવ રૂ.53 હજાર થયો
કપાસના ભાવમાં વધારો આવતા ગાંસડીના ભાવ પણ વધ્યા છે.એક ગાંસડીનો ભાવ જે પહેલા રૂ.42 હજાર હતો તેનો ભાવ અત્યારે રૂ.53 હજાર થયો છે. કપાસના સારા ભાવ મળવાને કારણે ખેડૂતો પોતાની પાસે રહેલો જૂનો માલ વેચવા કાઢી રહ્યા છે. જો આ પરિસ્થિતિ યથાવત્ રહી તો આ વખતે જૂના કપાસનો માલ 20 ટકા પણ રહેશે નહિ.તેમ કપાસના વેપારી અરવિંદભાઈ પટેલ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...