તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTPCR કૌભાંડ:ફોન કરતા જ મહિલાએ પૂછ્યા વગર સામેથી જ કહી દીધું, ‘હા બધા સેમ્પલમાં મારા નંબર નાંખ્યા છે’!!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTPCR કૌભાંડ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ ખોટું કરવાનું હજુ છોડ્યું નથી, ફરી એક કિસ્સો સામે આવ્યો
  • એક જ સોસાયટીના છે એટલે એક જ નંબર નાખ્યાનું શીખવ્યું પણ યાદીમાં 4 વિસ્તારના સરનામા છે તે તંત્ર ભૂલી ગયું

રાજકોટમાં આરટીપીસીઆર કૌભાંડ આચરનાર આરોગ્ય તંત્રના કેટલાક કર્મચારીઓએ ખોટાને સાચું ઠેરવવા નિવેદનો ખોટા લીધા છે તે હજુ શમ્યું નથી ત્યાં ધોરાજીમાંથી વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં મહિલાને કોઇપણ વસ્તુ પૂછ્યા વગર જ ફટાફટ જવાબ આપી દીધો કે, આઠ દસ સેમ્પલમાં તેમના મોબાઈલ નંબર નાખ્યા છે!

દિવ્ય ભાસ્કરે જિલ્લા પંચાયતને પુરાવાઓ આપ્યા છે તે પૈકી 22 સેમ્પલની યાદી આપી હતી જેમાં 4 અલગ અલગ વિસ્તારના સરનામા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ સેમ્પલમાં આપેલા ફોન પરથી તપાસ કરવાનું કહ્યું હતું. કર્મચારીએ તે નંબર પર ફોન કરીને પોતે આરોગ્ય વિભાગના અધિકારી હોવાનું કહ્યું હતું અને મહિલાને નામ પૂછતા તેણે નામની સાથે પોતાનું સરનામું આપ્યું હતું. આટલું પૂરતુ ન હોય તેમ મહિલા બોલી ગયા હતા કે, ‘અમે ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે મારો નંબર ઘણા બધા લોકોમાં નાખ્યો હતો.’

મહિલાને આ બધા લોકોના નામ આપતા કોઇને ઓળખતા ન હોવાનું કહ્યું હતું. બીજુ એમ બોલ્યા હતા કે તેઓ એક સોસાયટીમાં રહે છે જ્યારે સેમ્પલમાં 4 અલગ અલગ વિસ્તાર છે. ત્રીજું એ બોલ્યા કે બે દિવસ પહેલા પણ આવો ફોન આવ્યો હતો. ભાસ્કરે આ નંબર પર 10 દિવસ પહેલા ફોન કર્યો હતો અને તંત્રએ માગ્યા બાદ બુધવારે જ નંબર અપાયો હતો અને ત્યાં સુધી આ અંગે કોઇ ફોન થયા ન હતા. આ પુરાવાઓ DDOને અપાયા છે.

કર્મચારીએ કરેલા ફોન પર થયેલા સંવાદના અંશો
કર્મી : વાછાણી બોલું છું તાલુકા હેલ્થ ઓફિસમાંથી
મહિલા :
બોલો બોલો
કર્મી : કોણ બોલે છે?
મહિલા :
તમે કોને ફોન કર્યો ?
કર્મી : અમારે ખાલી ફોન નંબર વેરિફાય કરવાના હતા કે આ નંબર કોનો છે સેમ્પલમાં, કોણ બોલો?
મહિલા :
(પોતાના વિસ્તાર સાથે પોતાનું નામ આપે છે)
કર્મી : તમારા કોઇ હેલ્થમાં છે સગાં વહાલા?
મહિલા :
ના, ના, અમે ઓલુ ટેસ્ટ કરાવ્યો હતો એટલે મારો નંબર ઝાઝા બધામાં નાખ્યો હતો
કર્મી : અચ્છા અચ્છા
મહિલા :
(બે પરિવારની અટક બોલે છે) અમે એક સોસાયટીમાં રહીએ છીએ એટલે
કર્મી : અચ્છા એટલે નંબર નાખ્યો હશે
મહિલા :
બૈરા બૈરા ગયા હતા અને જેન્ટસ પાછળ હતા એટલે મારો નંબર નાખી દીધો
કર્મી : હા, અચ્છા બીજુ કઈ નથી ને ? એટલા માટે જ ફોન કર્યો કે વધારેમાં નંબર કેમ આવે? તમારી અટક શું
મહિલા :
(અટક બોલે છે જે અટક પહેલા અલગ હતી) એટલે કઈ થયું નથી ને સાહેબ?
કર્મી : ના ના
મહિલા :
અમે ઓલુ નાક અને ગળામાંથી ટેસ્ટિંગ કરાવ્યા હતા એટલે રિપોર્ટમાં કઈ?
કર્મી : ના બધાના રિપોર્ટ નેગેટિવ છે
મહિલા : એમા એવું થયું કે બે દિવસ પહેલા પણ આવો ફોન આવ્યો હતો .