તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • As Other Villages Can Learn From This Village In Rajkot, The Superpower US Was Liberated Yesterday But The Epidemic Has Not Entered Gundala In Gujarat.

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટના આ ગામ પાસેથી અન્ય ગામડાંએ શીખવા જેવું, મહાસત્તા US તો કાલે કોરોનામુક્ત થયું, પણ ગુજરાતના ગુંદાળામાં મહામારીએ પ્રવેશ પણ કર્યો નથી

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
ગામમાં નિયમિત ચેકઅપ કરવામાં આવે છે
  • 5000થી વધુની વસતિ ધરાવતા ગામમાં સૌકોઈએ સ્વયંભૂ સાવચેતી રાખી

રાજકોટ તાલુકાનું ગુંદાળા ગામ "મારું ગામ કોરોનામુક્ત ગામ" અભિયાનમાં અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. કોરોનાની પહેલી લહેરમાં ગુંદાળા ગામમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો જ્યારે કે કોરોનાની બીજી લહેરમાં પણ ગામેગામ કોરોનાનુ સંક્રમણ વધ્યું, પરંતુ ગુંદાળા ગામ કોરોના સામે અદભુત જાગૃતિ દાખવી પ્રેરણાનું ઝરણું બન્યું છે અને બીજી ઘાતક લહેરમાં પણ એકપણ કેસ જોવા મળ્યો નથી. વિશ્વ આખું કોરોના સામે ઝઝૂમી રહ્યું છે, જ્યારે રાજકોટનું ગુંદાળા ગામ કે જે પહેલેથી છે કોરોનામુક્ત ગામ છે. ગઇકાલે અમેરિકા દ્વારા પણ 13 મહિના બાદ અમેરિકા કોરોનામુક્ત જાહેર કર્યું છે ત્યારે રાજકોટ તાલુકાનું ગુંદાળા ગામ પહેલેથી જ કોરોનામુક્ત ગામ છે. 5000ની વસતિવાળું આ ગામ પહેલેથી જ તમામ ગાઇડલાઇન્સનું પાલન કરી કોરોનાને ગામમાં એન્ટ્રી આપવા દીધી નથી. ગામના સરપંચની સૂચનાનું પાલન તમામ ગ્રામજનો સાથે મળી ચુસ્તપણે કરતા હતા અને આજે પણ એ જ રીતે હજુ પણ સાવચેતી રાખી ગામ ગુજરાતનું આગવું ગામ બની રહ્યું છે અને આ વૈશ્વિક મહામારીથી દૂર ગુજરાતનું આ ગુંદાળા ગામ છે.

5000થી વધુની વસતિ ધરાવતા ગામમાં સૌકોઈએ સ્વયંભૂ સાવચેતી રાખી
ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ 18 માર્ચ 2020ના રોજ રાજકોટ શહેરમાં નોંધાયો હતો, જે બાદ કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉન અને ત્યાર બાદ અનલોક આપવામાં આવ્યું, જોકે કોરોનાની પ્રથમ લહેરમાં શરૂઆતના સમયમાં ગામડાં સુરક્ષિત હતાં અને તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેર અને જિલ્લામાં લોકડાઉન અને અનલોકની કડક અમલવારી લોકોના સહયોગથી પોલીસ અને તંત્રએ સાથે મળી કરી હતી. રાજકોટ તાલુકાના ગુંદાળા ગામની જો વાત કરવામાં આવે તો આ ગામની કુલ વસતિ 5000થી વધુની છે અને ગામમાં પહેલેથી જ કોરોના સંક્રમણ ન ફેલાઇ એ માટે સરપંચની સૂચના મુજબ સમગ્ર ગ્રામજનોએ સહયોગ આપી પોતાના ગામને કોરોનામુક્ત બનાવવા મહેનત કરી હતી અને એમાં તેમને સફળતા પણ પ્રાપ્ત થવા પામી છે.

શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે.
શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે.

ગામમાં સેનિટાઈઝેશન પણ કરવામાં આવે છે
પ્રથમ લહેર બાદ દિવાળી તહેવાર લગ્નપ્રસંગની સીઝન અને ચૂંટણીના સમય પછી બીજી ઘાતક લહેર શરૂ થઇ, જોકે આ બીજી લહેરમાં પણ એકપણ કેસ આ ગામમાં નોંધાયો નથી, જેનું કારણ માત્ર એક જ છે કે આ ગામના લોકોએ તહેવાર પણ સાદગીપૂર્વક ઊજવ્યા હતા, પ્રસંગો પણ નિયમો અનુસાર યોજ્યા હતા અને ચૂંટણીમાં પણ પૂરી કાળજી રાખવામાં આવી હતી. સરપંચના જણાવ્યા મુજબ, ગામમાં લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગમાં 50થી વધુ લોકોને એકઠા થવા મનાઇ કરવામાં આવી હતી, જેમાં પણ ખાસ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરાવવામાં આવ્યો હતો અને લોકોને ઠંડા પાણીને બદલે સારાનરસા પ્રસંગમાં પણ ગરમ ઉકાળેલું પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને કારણે ગામ કોરોનામુક્ત બની શક્યું છે.

ગામમાં નિયમિત ચેકઅપ કરવામાં આવે છે
CM વિજય રૂપાણીના “મારું ગામ કોરોનામુક્ત ગામ”ના અભિયાનને સાર્થક કરી ગુંદાળા ગામમાં સરપંચ જીલુભાઇ ગમારાના માર્ગદર્શન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં આગોતરા આયોજનના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. કોવિડ કેર સેન્ટરમાં તકેદારીના ભાગરૂપે દર્દીઓ માટે બેડ તેમજ જરૂર પડે તેમને ભોજન, જ્યૂસ, લીંબુ પાણી અને દવાઓ મળી રહે એ માટે આરોગ્ય ખાતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુંદાળા, જીવાપરા અને નવા ગામની સંયુક્ત ગ્રામપંચાયત આવેલી છે. ત્રણેય ગામની કુલ વસતિ અંદાજિત 5000 જેટલી છે. સરપંચ જીલુભાઈ ગમારાએ મારું ગામ કોરોનામુક્ત ગામની સફળતા જણાવતાં કહ્યું હતું કે અમારું ગામ પહેલેથી જ જાગ્રત ગામ છે.

કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું.
કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું.

ગામના શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે
ગામના બધા જ લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં. કરિયાણાની દુકાન હોય કે બીજી કોઇપણ દુકાને એકઠા થવું નહીં. ગામના મજૂરોને સરપંચના સહયોગથી શાકભાજી અને અનાજ અને અન્ય જરૂરિયાત હોય તેવી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. ગુંદાળા આસપાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયા છે અને ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ સેવાભાવથી મજૂરોને હાલની આંશિક લોકડાઉનની સ્થિતિમાં 50% મજૂરી પણ આપે છે. ગુંદાળા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે.

ગામલોકોની જાગૃતિને કારણે આજદિન સુધી ગુંદાળા કોરોનામુક્ત રહ્યું છે
આ ઉપરાંત ગામમાં ગ્રામપંચાયતના સંકલનથી સેનિટાઈઝેશન પણ કરવામાં આવે છે. બહારના લોકોને રિપોર્ટ વગર ગામમાં નો-એન્ટ્રી છે. સરપંચ દ્વારા જો ગ્રામજનોને હોસ્પિટલમાં લઈ જવાના થાય તેવા સંજોગોમાં વાહનની વ્યવસ્થા સાથે હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ગામમાં કોઈને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. હજુ સુધી ગામમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગામના સરપંચને ગામજનો દ્વારા પણ સહયોગ મળે છે અને ગામલોકોની જાગૃતિને કારણે આજદિન સુધી ગુંદાળા કોરોનામુક્ત રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...