તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરેજમાં રિપેરિંગ માટે વાહનનો ધસારો:ભારે વરસાદના પગલે શહેરમાં 4 હજાર જેટલા ટુ-વ્હિલર પડ્યા બંધ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેરેજમાં મોટી સંખ્યામાં વાહનો લઇ લોકો રિપેરિંગ માટે પહોંચ્યા હતા. - Divya Bhaskar
ગેરેજમાં મોટી સંખ્યામાં વાહનો લઇ લોકો રિપેરિંગ માટે પહોંચ્યા હતા.
  • સ્કૂટર પાણીમાં ચલાવતા પેટ્રોલમાં પાણી ભળી ગયું, એન્જિનમાંથી પાણી કાઢ્યા

સોમવારે શહેરમાં અવિરત 16 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરીજનોના ટુ-વ્હિલર વાહનો બંધ પડ્યા હતા. જેને સર્વિસ કરાવવા મંગળવારે સવારથી નજીકના ગેરેજવાળાને ત્યાં લોકોની લાઈન લાગી હતી. શહેરમાં અંદાજિત 4 હજાર જેટલા ટુ-વ્હિલર વાહનો બંધ પડ્યા હતા. જેને રિપેર કરાવવા માટે લોકો ગેરેજ પર દોડી ગયા હતા. પહેલા એટલે કે રેગ્યુલર દિવસોમાં 2 થી 3 ટુ-વ્હિલર રિપેરમાં આવતા હોય છે, પરંતુ વરસાદ બાદ મંગળવારે 8-10 સ્કૂટર રિપેર માટે આવ્યા હતા.

સોમવારે પડેલા અવિરત વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તેમજ જે લોકો કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા તેઓ તમામે પોતાના ટુ-વ્હિલરને કેડસમા પાણીમાં ચલાવવા મજબૂર બન્યા હતા. જેના કારણે સ્કૂટર-બાઈકમાં ખામી સર્જાઈ હતી અને બંધ પડી ગયા હતા.

ટુ-વ્હિલરના એન્જિનમાં પાણી ભરાવું, કોયલ ઊડી જવી, સાઈલેન્સરમાં પાણી ભરાવું, પેટ્રોલની ટેન્કમાં પાણી ભળી જવું, એરફિલ્ટરમાં પાણી જવાથી બગડવું, પ્લગમાં પાણીનો સંપર્ક થતાં પ્લગમાં સ્પાર્ક થતા બંધ થયા, ચાવી લોકમાં પાણી જતાં લોક બંધ, સેલ્ફ સ્ટાર્ટ સ્કૂટરમાં સેલ્ફ રીલે શોટ થતાં ગાડી બંધ, વધુ ઝડપથી પાણીમાં સ્કૂટર ચલાવતા ક્લચ ફેસિંગ બળી જવા, ડિજિટલ મીટરમાં પાણી જતાં મીટર બંધ થયા સહિતના પ્રોબ્લેમ ટુ-વ્હિલરમાં સર્જાયા હતા. ટુ-વ્હિલરને રિપેર કરાવવા માટે 400થી 500 રૂપિયાનો ખર્ચ નોર્મલ થતો હોય છે, પરંતુ જ્યારે બાઈક કે સ્કૂટરમાં વધુ ખામી સર્જાઈ હોય તો ખર્ચ તે પ્રમાણે વધી શકે છે.

ટુ-વ્હિલરમાં એન્જિનમાં પાણી જવાથી બંધ થયા
ગેરેજ સંચાલક મનોજ રાદડિયા, પ્રફુલ કુકડિયાએ જણાવ્યું હતું કે, સિઝનમાં ટુ-વ્હિલર સર્વિસ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ રેગ્યુલર દિવસોમાં 2 થી 3 જ સ્કૂટર રિપેર માટે આવે છે, આજે વહેલી સવારથી ટુ-વ્હિલર રિપેર કરાવવા માટે લોકો આવ્યા હતા. તમામ સ્કૂટર-બાઈકના એન્જિનમાં પાણી જતું રહેતા સ્કૂટર બંધ થઈ ગયું હતું. એક સ્કૂટર રિપેર કરતા 2થી 2.5 કલાકનો સમય લાગ્યો હતો અને 800થી 1000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...