દલા તરવાડીનો ભાઈ:શારીરિક શિક્ષણના વડા તરીકે સોનીએ માટી કામ આપ્યું, જે 663 ફેરા થયા નથી તે બિલ રજિસ્ટ્રાર તરીકે પોતે જ મંજૂર કર્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેક્ટરના ફેરા અને કારના નંબર - Divya Bhaskar
ટ્રેક્ટરના ફેરા અને કારના નંબર
  • 7.50 લાખના માટી કૌભાંડમાં જતિન સોનીથી લઈને કુલપતિ પેથાણી સહિત તમામ જવાબદાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માટી ભરેલા ટ્રેક્ટરના ફેરા કર્યા અંગેનું રૂ.7.50 લાખનું બિલ મુક્યામાં માત્ર 10થી 15 ફેરા કરવા સામે 663 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મુકાયું હોવાનો પર્દાફાશ થયો છે. એક જ ટ્રેક્ટર દ્વારા આટલી મોટી માત્રામાં ટ્રેક્ટરો ભરીને માટી યુનિવર્સિટી કેમ્પસમાં નાખી હોવાનું દર્શાવતા ‘દિવ્ય ભાસ્કરે’ આ સમગ્ર કૌભાંડમાં ઊંડી તપાસ કરતા ડો. જતિન સોનીએ શારીરિક શિક્ષણ વિભાગના વડા તરીકે આ કામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને પોતે જ રજિસ્ટ્રાર તરીકે આ કામના બિલને બહાલી પણ આપી હોવાનું ખુલ્યું છે.

કોન્ટ્રાક્ટરે બિલ રજૂ કર્યા બાદ શારીરિક શિક્ષણ વિભાગથી લઈને કુલપતિ સહિતના સત્તાધીશોની સહી થયા બાદ જ મંજૂર થયું છે. બિલમાં દર્શાવેલા ટ્રેક્ટરના નંબર અલ્ટો કારના નંબર નીકળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટ્રેક્ટરના ફેરામાં વાહન નંબર GJ03HK 7271 ટ્રેક્ટરનો દર્શાવી કૌભાંડ આચર્યું છે. જે નંબર આરટીઓમાં તપાસ કરતા મિલનભાઈ નામના વ્યક્તિની અલ્ટો કારનો હોવાનું ખુલ્યું છે.

આ રહ્યો પુરાવો, ટ્રેક્ટરના ફેરા અને કારના નંબર
ઓડિટ વિભાગે કૌભાંડ બહાર પાડ્યા બાદ કુલપતિ ડો. નીતિન પેથાણીએ જવાબદારો સામે અાકરા પગલાં લેવાને બદલે તેમની પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા લઈ લીધા. બીજીબાજુ ભાસ્કરે કરેલી તપાસમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જે ટ્રેક્ટરનો સાચો માનીને બિલ પાસ કરી દીધું તે જીજે03એચકે7271 વાહન નંબર એક અલ્ટો કારનો નીકળ્યો છે. આથી અન્ય વાહનના નંબરનો ગેરઉપયોગ કરવા અંગે ફોજદારી ફરિયાદ થાય તેવી પણ સંભાવના છે.

વિદ્યાર્થી ગેરરીતિ કરે તો ફરિયાદ, કૌભાંડમાં નહીં!
યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ચોરી કરે, ગેરરીતિ આચરે, સુપરવાઈઝર કે અધ્યાપક સાથે ગેરવર્તણૂક કરે તો યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવે પરંતુ યુનિવર્સિટીમાં જ લાખો-કરોડોના કૌભાંડ થવા છતાં હજુ સુધી કુલપતિ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની હિંમત નહીં કરીને કૌભાંડ અને કૌભાંડીઓને છાવરી રહ્યા છે.

વિગતો લીક કેમ થઇ? કુલપતિએ ક્લાસ લીધો!
કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ગુરુવારે કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ ઓડિટ વિભાગના કર્મચારીઓને બોલાવી ક્લાસ લીધો હતો, કૌભાંડની તપાસ કરાવવાને બદલે વિભાગની આંતરિક બાબતો મીડિયામાં લીક કેવી રીતે થઇ તેના પર તપાસ કરવા જણાવ્યું હતું અને સાહિત્ય કબજે લઇ લીધું હતું.

કૌભાંડ છતું થતાં જ રજિસ્ટ્રાર રજા પર ઉતર્યા!
યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર ડો.જતિન સોનીની સૂચનાથી જ કોન્ટ્રાક્ટરને માટી નાખવાનું કામ અપાયું અને બિલ પણ મંજૂર કરાયું હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૌભાંડ છતું થતાં જ રજિસ્ટ્રાર ડો. સોની એકાએક રજા ઉપર ઉતરી ગયા છે. બાંધકામના વડા પણ રજા ઉપર ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...