તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટની સોની બજારમાં વેપારી પાસેથી બે બંગાળી કારીગર રોલ પ્રેસના નામે 26 લાખનું સોનુ લઇ અઢી માસથી ફરાર

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 16 જૂન 2021ના રોજ 545.880 ગ્રામ સોનાનો ઢાળીયો બંને કારીગર વેપારી પાસેથી લઇ ગયા હતા

રાજકોટની સોની બજારના વેપારીઓ પાસેથી દાગીના બનાવવા સોનુ મેળવ્યા બાદ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી ગયાના બનાવો અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સોની બજાર ભંભાણી શેરી સુવર્ણદિપ કોમ્પલેક્ષના પહેલા માળે રૂપાલી ગોલ્ડ આર્ટ નામે દુકાન ધરાવતાં અને સોનાના દાગીના ઘડવાનું કામ કરતાં વેપારી રાજેશભાઇ ભગવાનજીભાઇ પરમાર સાથે બે બંગાળી કારીગરો છેતરપિંડી કરી ગયા છે. આ અંગે રાજેશભાઇએ એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રોલ પ્રેસ માટે બંને કારીગર 26 લાખનું સોનુ લઇ ગયા હતા અને છેલ્લા અઢી માસથી ફરાર છે.

545.880 ગ્રામ સોનાનો ઢાળીયો લઇ ગયા હતા
વેપારી રાજેશ ભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ શેખ હસીબુલ રહેમાન તથા સમીમ હુશેન બબલુ શેખ મારી પાસેથી 16 જૂન 2021ના રોજ 545.880 ગ્રામ સોનાનો ઢાળીયો જેની અંદાજીત કિંમત 26 લાખ થાય છે તે રોલ પ્રેસમાં આપવા માટે લઇ ગયા હતાં. આ ઢાળીયો બંને શખસ લઇને પુર્વ આયોજીત કાવત્રાના ભાગરૂપે ભાગી ગયા છે. આ અંગે જે તે વખતે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. એ પછી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. એચ. નિમાવતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે બંને શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ મામલે એ ડિવીઝન પોલીસે વેપારી રાજેશભાઇની ફરિયાદ પરથી શેખ હસીબુલ રહેમાન તથા સમીમ હુશેન બબલુ શેખ સામે આઇપીસી 406, 420, 120 (બી) મુજબ ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિના પહેલા વેપારીની અરજી લીધી હતી
રાજકોટના સોનીબજારમાં દાગીના બનાવવાનું કામ કરતાં હસીબુલ શેખ અને સમીમ હુશેન કેટલાક વર્ષોથી રાજકોટમાં રહી દાગીના બનાવવાનું કામ કરતા હતા. સોની વેપારી પાસેથી સોનું મેળવી દાગીના બનાવી આપતો હતો. વર્ષો સુધી કામ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો પરંતુ અઢી મહિના પૂર્વે વેપારી પાસેથી 500 ગ્રામ સોનું દાગીના બનાવવા માટે લીધું હતું, નિયત સમયે દાગીના નહીં મળતાં સોની વેપારીએ તપાસ કરતાં હસીબુલ શેખ નાસી ગયાનું જાણવા મળ્યું હતું, 500 ગ્રામ સોનાની છેતરપિંડી થતાં વેપારીએ પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ હસીબુલ શેખનો પત્તો નહીં લાગતા વેપારી એ.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પોલીસે હસીબુલ શેખ સામે ગુનો નોંધવાને બદલે ભોગ બનનાર અશ્વિનભાઇ પરમારની અરજી લીધી હતી.

પોલીસને પોતાના પર થયેલા આક્ષેપો પણ એફઆઇઆરમાં નોંધવાની ફરજ પડી
કોર્ટના આદેશથી અઢી મહિને પોલીસે વેપારી રાજેશભાઇની ફરિયાદ નોંધવી પડી હતી. કોર્ટે ભોગ બનનારની અક્ષરસહ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. રાજેશભાઇએ કોર્ટમાં ફરિયાદ કરી તેમાં લખ્યું હતું કે, પોલીસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો નથી, પોલીસ દ્વારા આજદિન સુધી કોઇપણ પ્રકારની ન્યાયિક તપાસ કરવામાં આવી નથી. આવા ગંભીર ગુનામાં પોલીસની નિષ્ક્રિયતા સમાજ માટે ખૂબજ ગંભીર તેમજ ગુનેગારો માટે પ્રોત્સાહક છે. પોતાના પર થયેલા આક્ષેપો પણ પોલીસે ફરિયાદમાં નોંધવા પડ્યા હતા.

પોલીસ નાના માણસોને સાંભળતી જ નથી
રૂપાલી ગોલ્ડ આર્ટના માલિક રાજેશભાઇ પરમારના મોટાભાઇ અશ્વિનભાઇએ કહ્યું હતું કે, રૂ.26 લાખના સોનાની છેતરપિંડી થઇ હતી, પોલીસે ગુનો નહીં નોંધતા કોર્ટમાં અરજી કરી હતી, અને કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ નાના માણસોને સાંભળતી નથી અને ફરિયાદી ફરિયાદ કરવા જાય ત્યારે દર વખતે અલગ અલગ બહાના કાઢી ફરિયાદીને કાઢી મૂકવામાં આવે છે.