તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગ્રહખોરો સક્રિય:સારા ભાવ મળવાની લાલચે માલ વેચવાનું બંધ કરતા બજારમાં કૃત્રિમ તેજી, મુખ્ય તેલમાં રૂ. 55નો ભાવવધારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠાની સપ્લાય અટકાવી દેતા બજારમાં કાચા માલની તંગી ઊભી કરી

વાવણી બાદ સમયસર વરસાદ નહિ આવવાને કારણે સંગ્રહખોરો દ્વારા સારા ભાવ મેળવવાની લાલચે બજારમાં માલની સપ્લાય રોકી દેવામાં આવી છે. જેને કારણે બજારમાં કૃત્રિમ તંગી ઊભી થઈ છે. પરિણામે કપાસિયા અને સિંગતેલમાં મળી રૂ.55નો ભાવ ઉછાળો આવ્યો છે, તો બીજી બાજુ સાઈડ તેલના ભાવ પણ ઊંચકાયા છે. એક બાજુ ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી અને બીજી તરફ સામાન્ય લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. આમ બન્નેને આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સંગ્રહખોરો માલામાલ થઈ રહ્યા છે.

સોમવારે સિંગતેલમાં રૂ.30નો વધારો થયો હતો. ગત સપ્તાહે જે સિંગતેલના ભાવ રૂ.2380 હતા તેનો ભાવ સોમવારે રૂ.2410 થયા હતા. કપાસિયા તેલમાં રૂ.25ના વધારા સાથે ડબ્બો રૂ.2315 નો થયો છે. પામોલીન તેલમાં રૂ.20, વનસ્પતિ ઘીના ભાવમાં રૂ.20, દિવેલના ભાવમાં રૂ. 20 વધ્યા હતા. જેને કારણે આ તેલના ડબ્બાનો ભાવ અનુક્રમે રૂ.1845, રૂ.1740 અને રૂ.1820 થયો હતો.

ડિમાન્ડ નીકળી હોવાથી ભાવવધારો થયાનો વેપારીઓનો દાવો
વેપારીઓ તેલના ભાવવધારા માટે રિ-બાઉન્સ, બજારમાં નીકળેલી ડિમાન્ડને જવાબદાર ગણાવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આયાત ડ્યૂટીના દર ઘટી જવાને કારણે જે અતિશય ગભરાટ ઊભો થયો હતો તે સમી ગયો છે. ભાવ ઘટ્યા બાદ રિ-બાઉન્સ સિચ્યુએશનમાં સિંગતેલ-કપાસિયામાં ડબ્બે રૂ.40નો ભાવવધારો થયો છે. ડ્યૂટીના દર ઘટી જવાનો ડર સમી ગયા બાદ વેપારીઓએ ફરી ખરીદી શરૂ કરી છે, તો અત્યારે તહેવારની ડિમાન્ડ નીકળી છે. પાઈપલાઈન ખાલી હોવાને કારણે દરેક તેલમાં ભાવવધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જુલાઈ માસમાં સિંગતેલ-કપાસિયામાં હજુ ભાવ વધશે
કોરોના બાદ હવે તહેવારને કારણે બજારમાં તેલની ડિમાન્ડ નીકળવાની સંભાવના છે. જેવી ડિમાન્ડ વધશે તેની સાથે જ સપ્લાય ઓછી કરી દેવામાં આવશે. આ પરિસ્થિતિમાં તેલના ભાવમાં ફરી ઉછાળો આવવાની સંભાવના વર્તાઈ રહી છે. જાણકારોના કહેવા અનુસાર સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.30 થી 40 સુધીનો ભાવ વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...