આયોજન:કડવા પાટીદાર સમાજના 11 હજાર કળશનું આગમન, નોરતામાં પૂજા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ રૂ. 1 ભેગો કરીને જરૂરિયાતમંદને મેડિકલ, શૈક્ષણિક સહાય કરાશે

સમાજના જરૂરિયાતમંદોને મેડિકલ, શૈક્ષણિક સહાય કરી શકાય તેમજ વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે કડવા પાટીદાર સમાજ દ્વારા કળશ યોજનાની જાહેરાત કરી છે. જે અંર્તગત રાજકોટમાં 11 હજાર કળશનું આગમન થયું છે. આ કળશનું આઠમના દિવસે સામૂહિક પૂજન કરાશે. કડવા પાટીદાર સમાજના પરિવારજનો રોજ રૂ. 1થી લઇને શક્તિ મુજબનું અનુદાન આપશે. તેમ રાજકોટ મહિલા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જ્યોતિબેન ટીલવાએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, આ કળશનું મિનાકારી, જડતર અને સજાવટનું કામ જસદણમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી આ કામગીરી પૂરી થયા બાદ જે કળશ આવ્યા છે તેને હાલ ઉમા ભવનમાં રાખવામાં આવ્યા છે. અને આ કળશ પર હાલ બહેનો સ્ટિકર, તેમજ ફિટિંગની કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં અંદાજિત 100 મહિલાઓ જોડાઈ છે. દરેક કામ માટે એક ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં અંદાજિત 5થી 10 બહેનો રોકાયેલી છે. 18 વર્ષની યુવતીથી લઈને 60 વર્ષના વૃદ્ધા પણ હોંશભેર પ્રોજેક્ટમાં જોડાયા છે. પ્રથમ તબક્કામાં 11 હજાર કળશ આવ્યા છે. કુલ 27 હજાર કડવા પાટીદાર પરિવારમાં કળશ પધરાવામાં આવશે.

કળશમાં ખાસ કોડ, રકમ બેંકમાં જમા થશે
દરેક કળશની પાછળ દાતાનું નામ, અને ખાસ નંબર હશે. કળશ ભરાઈ ગયા બાદ તેનું કલેક્શન કરનારની અલગ ટીમ બનાવવામાં આવી છે. કળશમાં જે રકમ એકત્રિત થઈ છે તે રકમ સીધી બેંકમાં જ જમા થશે. કળશ ખોલવા માટે ખાસ કોડવર્ડ છે તેનાથી ખૂલશે.

અન્ય સમાચારો પણ છે...