તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોંગ્રેસના મહિલા આગેવાનના પતિની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ જેલમાં ધકેલાયો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપાની ચૂંટણીના આગલા દિવસે પોલીસે દારૂ અને હથિયારનો ગુનો નોંધ્યો’તો
  • પીયૂષે હેલ્થ પરમિટ મેળવવા માટે જન્મ તારીખના દાખલામાં પણ છેડછાડ કરી’તી

મહાનગરપાલિકાની ચૂંટણીના આગલા દિવસે જ પોલીસે કોંગ્રેસના મહિલા આગેવાનના ઘરે દરોડો પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, પોલીસે મહિલા આગેવાન અને તેના પતિ સામે અલગ અલગ બે ગુના નોંધ્યા હતા. હેલ્થ પરમિટ માટે પણ મહિલા આગેવાનના પતિએ ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હતા તે ગુનો નોંધાયા બાદ પોલીસે પાસા હેઠળ આગેવાનના પતિને અમદાવાદ જેલહવાલે કર્યો હતો. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો હતો, મતદાનના આગલા દિવસે જ પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતા કોંગ્રેસના મહિલા આગેવાન ચાંદની પીયૂષ લીંબાસિયાનો ફાયરિંગનો વીડિયો ફરતો થયો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમે તે સાથે જ દરોડો પાડી ચાંદની લીંબાસિયાને ઝડપી લીધી હતી, પરંતુ તેનો પતિ પીયૂષ પ્રેમજી લીંબાસિયા નાસી છૂટ્યો હતો. પતિની પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યાની ચાંદનીએ કેફિયત આપતા પોલીસે આ અંગે ચાંદની અને પીયૂષ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, તે દિવસે જ પોલીસને ચાંદનીના ઘરમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા આ દંપતી સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

બબ્બે ગુનામાં સાતેક મહિના સુધી ફરાર રહ્યા બાદ પીયૂષ લીંબાસિયાની પોલીસે ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધો હતો, તપાસમાં નવો જ ફણગો ફૂટ્યો હતો. પીયૂષ લીંબાસિયાએ હેલ્થ પરમિટ મેળવી હતી અને તે પરમિટ મેળવવા સમયે પીયૂષની ઉંમર પૂરતી નહીં હોવાથી તેણે જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી પોતાને વધુ વયનો બતાવી હેલ્થ પરમિટ મેળવી લીધી હતી આ અંગે પીયૂષ સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

ટૂંકા ગાળામાં ત્રણ ત્રણ ગુનામાં પીયૂષ પ્રેમજી લીંબાસિયાનું નામ ખૂલતા પોલીસ કમિશનરે પીયૂષ લીંબાસિયા સામે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજાએ વોરંટની બજવણી કરી પીયૂષ લીંબાસિયાની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...