રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરીંગની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હાલ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં આર્મીમેન બંદૂક લઈને સાંઢિયા પુલ પર આવે છે અને જાહેરમાં લોકોને ડરાવી રહ્યો છે. નોંધનીય છે કે પોલીસે આ ઘટનામાં આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીના પારિવારિક ઝઘડામાં આર્મીમેન અજિલ તેના ભાઈ અર્શીલે અર્શીલની પત્ની સાનિયાના મામાને ઘેર રેલનગર વિસ્તારમાં પહોંચી તોડફોડ કરી હતી અને બાદમાં ત્યાંથી પરત ફરતા સમયે જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બબાલ કરી હતી.
વાહનચાલકનું મોત નીપજ્યું
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઇના જણાવ્યા મુજબ જામનગર રોડ પર આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અર્શીલ ખોખર અને પત્ની સાનિયા ખોખરને પારિવારિક ઝઘડો થયો હતો. બન્ને પક્ષે સેમ સામે ઝગડામાં ત્યાંથી પસાર થતા વાહનચાલક સુભાષ દાતી એ વચ્ચે પડી છોડાવવા પ્રયાસ કર્યો હતો જેથી આર્મીમેને પોતાના પરવાના વાળી વેપનમાંથી 3 રાઉન્ડ ફાયરીંગ કરતા સુભાષ દાતીનું મોત નીપજ્યું હતું. સુભાષ દાતી GST ઓફિસમાં ફરજ બજાવતા હતા જેનું મોત નિપજતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક દોડી જઈ ફાયરીંગ કરનાર આર્મીમેન તેના ભાઈ સહીત 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આર્મીમેન સહીત 3 ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે રાજકોટ કંટ્રોલ રૂમ પર ફાયરિંગ ની જાણ થતા તત્કાલીન અસરથી રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકરીઓ તેમજ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી પાડવા દોડધામ શરૂ કરી હતી અને જીવના જોખમે પોલીસે આર્મીમેન સહીત 3 ની ધરપકડ કરી હતી અને હથિયાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.